ગોહિલવાડ-હાલારમાં જોર પકડતું ચોમાસું
ઘોઘામાં ૬, ભાવનગરમાં ૪.૫, સિંહોરમાં ૪.૫, ઉમરાળા-ગારીયાધારમાં 3, વલ્લભીપુર, પાલીતાણા, મહુવા, જેસર, અને તળાજામાં બે ઇંચ
કાલાવડના મોટા પાંચ દેવડામાં ૨ ઇંચ, જોડિયા-લાલપુરમાં એક-એક ઇંચ ખાબકયો : જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત જામનગર અને ભાવનગર જિલ્લામાં સવારથી મેઘસવારી આવી પહોંચી હતી જેમાં રાજકોટમાં ઝરમર-ઝરમર વરસ્યો હતો. જયારે જામનગર હળવા ઝાપટાથી લઇને બે ઇંચ સુધી પડયો હતો. જયારે ભાવનગર પંથકમાં અડધાથી ૬ ઇંચ સુધી વરસાદ ખાબકયો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં મોડીરાત્રે(6-7 જુલાઈ) ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં વલ્લભીપુરમાં 2 ઈંચ, ઉમરાળા 3 ઈંચ, ભાવનગરમાં 4.5 ઈંચ, ઘોઘામાં 6 ઈંચ, સિહોર 4.5 ઈંચ, ગારીયાધાર 3.5 ઈંચ, પાલીતાણા 2 ઈંચ, તળાજા 1.5 ઈંચ, મહુવા 2 ઈંચ તથા જેસર 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા, સતત ત્રીજા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના ભાવનગર, નવસારી, સુરત, ડાંગ અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે ફરી જોર પકડતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધા ઇંચથી લઈને બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. તાલુકા મથકોમાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 23 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં 20 મી.મી., કાલાવડમાં 13 મી.મી., ધ્રોલમાં 11 મી.મી., જામનગરમાં 4 મી.મી. અને જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 12.33 મી.મી. રહ્યો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલમાં જણાવાયું છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના પી.એચ.સી.વાર વરસાદના આંકડા મુજબ કાલાવડ તાલુકાના મોટાપાંચદેવડામાં સૌથી વધુ 48 મી.મી. (આશરે 2 ઇંચ) વરસાદ નોંધાયો છે. ઉપરાંત હડિયાણામાં 30 મી.મી., મોટી બાણુગારમાં 25 મી.મી., બાલંભા અને નવાગામમાં 15-15 મી.મી., અલીયાબાડા, જાળીયાદેવાણી અને જામવાડીમાં 12-12 મી.મી., જ્યારે મોટી ભલસાણ, ભલસાણ બેરાજ અને જામવંથલીમાં 10-10 મી.મી. વરસાદ નોંધાયો હતો. ફલ્લા, વાંસજાળીયા, ખરેડી, મોડપર, શેઠ વડાળા સહિતના અનેક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જ્યારે પીઠડ, પડાણા અને લૈયારા વિસ્તારમાં વરસાદ નોંધાયો નહોતો.
જામનગર શહેરમાં પણ લાંબી રાહ બાદ મેઘરાજાએ ફરી હાજરી નોંધાવી હતી. ગઈ રાત્રે લગભગ 9:30 વાગ્યા બાદ ધીમા વરસાદી છાંટાથી શરૂઆત થયા બાદ સારો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને નગરજનો હવે આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા રાખી રહ્યા છે.


