જેતપરમાં ચાલતા કિશાન આંદોલનનું સમાપન, ઉપવાસીઓના પારણા
આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન
સરકારે કરેલા પરિપત્ર વિરૂધ્ધ રાજયવ્યાપી લડતની જાહેરાત : બે દિવસ નવા ઠરાવ અંગે કરાશે ચર્ચા-વિચારણ, કમિટીની રચના કરી વિવિધ મુદાનો સમાવેશ કરાશે
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન (પાર્ટ 2) ભલે સમેટી લેવાયું હોય, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ પૂરી થઈ નથી. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે ‘આંદોલન પાર્ટ 3’ શરૂ કરવાનું એલાન કરી દીધું છે.
ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું અને યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે જેતપર ગામના ખેડૂતો છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા-જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો (પાર્ટ 2) પૂર્ણ કરવામાં આવ્યો હતો. જો કે, આ ઉપવાસ છાવણી ખાતેથી જ આગામી લડતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
આંદોલનના અગ્રણી નેહુલભાઈ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂતો સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂતો દ્વારા સરકારના આ નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે.
આ અન્યાયી પરિપત્ર સામે હવે રાજ્યવ્યાપી લડત આપવા માટે ખેડૂતો સજ્જ બન્યા છે. આગામી દિવસોનું આયોજનમાં આગામી 8-9 જુલાઈ બુધવાર અને ગુરુવારે ગુજરાતના 23 જિલ્લાના ખેડૂત આગેવાનોને મોરબીના જેતપર ગામે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સરકારના નવા પરિપત્ર મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તેમાં કેવા ફેરફારો કરવાથી ખેડૂતોને મહત્તમ ફાયદો થઈ શકે તે અંગે આયોજન કરાશે. આ બેઠક બાદ એક નવી કમિટીની રચના કરવામાં આવશે, જેમાં ખેડૂતોનું હિત ઈચ્છતા, નિષ્પક્ષ અને પ્રમાણિક આગેવાનોનો સમાવેશ કરાશે. આ કમિટી આગામી દિવસોમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામે આરપારની લડાઈ લડશે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે “અમે અમારો હક લઈને જ જંપીશું. સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મનમાની સામે હવે આખું ગુજરાત એક થઈને લડત આપશે.”


