જેતપુરમાં ટેક્સ ચોરી કરવા એક જ નંબર પ્લેટ પર દોડતી ૧૦ ટ્રાવેલ્સ, ૧ કાર ઝડપાઈ
ત્રણ આરોપીની ધરપકડ, ૧.૫૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો: સૌરાષ્ટ્રથી સુરતના પાટા પર દોડાવાતી હતી ગાડીઓ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ટેક્સ ચોરી કરવાના ઇરાદે એક જ નંબર પ્લેટનો ઉપયોગ કરી બનાવટી નંબર પ્લેટ લગાવી કોભાંડ આચરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ૧૧ વાહનો કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિંપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસના પી.આઈ. શર્મા અને પી.એસ.આઈ. ગઢવીની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે જેતપુર અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાવી ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે ઉપયોગ કરતા હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રેડ કરતા આખું કોભાંડ બહાર આવ્યું હતું.
પોલીસે આ મામલે આરોપી ૧. પાવન અલ્પેશભાઈ જયસ્વાલ૨. અલ્પેશ ટૂનુભાઈ જયસ્વાલ (રહે.બને અમનગર રોડ, જેતપુર) ૩. કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ ( રહે મેંદરડા જી. જૂનાગઢ ) એમ ત્રણ આરોપીની ધરપકડ કરી.આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૩૫(૨), ૩૩૫(૩), ૩૪૦(૨), ૫૪ તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ અલગ-અલગ બે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવ્યો છે. તેમની પાસે થી કુલ ૧૧ વાહનો (૧૦ ટ્રાવેલ્સ બસ અને ૧ મારુતિ વાન ગાડી) તથા ૩૧ અલગ-અલગ નંબર પ્લેટો કબજે કરી છે. કુલ કિંમત ૧,૫૫,૫૦,૦૦૦ રૂપિયા (૧ કરોડ ૫૫ લાખ) ઉપરનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ લાંબા સમયથી ટેક્સ ચોરી કરી સરકાર સાથે છેતરપિંડી કરતા હતા. પ્રાથમિક તપાસમાં બે થી ત્રણ મહિનાની ગતિવિધિઓ સામે આવી છે, પરંતુ આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોણ સામેલ છે તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. વધુ તપાસમાં અન્ય મુદ્દામાલ અને આરોપીઓ પકડાય તેવી શક્યતા છે.


