પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ
નિયમોની અસમંજસથી વેપારીઓ છાશવારે દંડાઈ રહ્યા છે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના વેપારીઓ પર પ્લાસ્ટિક થેલીઓ (ઝભલા)ના નામે છાશવારે દંડની ઝડી વરસાવવામાં આવે છે. પરંતુ સરકાર અને તંત્રએ સૌપ્રથમ પ્રજાને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ કે આખરે કયો પ્લાસ્ટિક કાયદેસર છે અને કયો ગેરકાયદેસર?
જો પ્લાસ્ટિક થેલીઓ ખરેખર પ્રતિબંધિત હોય, તો રાજ્યભરમાં તેનું ઉત્પાદન આજે પણ ખુલ્લેઆમ કેવી રીતે થઈ રહ્યું છે? ફેક્ટરીઓ કોણ ચલાવે છે? સપ્લાય કોણ કરે છે? અને સરકારની આંખ સામે આ ગેરકાયદેસર વેપાર વર્ષોથી કેવી રીતે ચાલુ છે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઉત્પાદકો અને મોટા સપ્લાયરો સામે કાર્યવાહી કરવાને બદલે માત્ર નાના દુકાનદારોને જ દંડ કરીને સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે? જે વેપારી બજારમાં ઉપલબ્ધ માલ ખરીદીને વેચે છે, તે જ આખી વ્યવસ્થાનો સૌથી મોટો ગુનેગાર કેવી રીતે બની જાય?
જો પ્લાસ્ટિક ગેરકાયદેસર છે તો તેની એક પણ ફેક્ટરી ચાલવી ન જોઈએ, એક પણ ટ્રક બજારમાં પહોંચવો ન જોઈએ અને એક પણ હોલસેલ વેપારી સુધી માલ પહોંચવો ન જોઈએ. સરકાર આ મૂળ સ્તરે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય અને પછી નાના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના દંડ વસૂલે, તો તેને કાયદાનું પાલન નહીં પરંતુ દંડ વસૂલવાની નીતિ કહેવાય.
સરકારે તરત જ જાહેર કરવું જોઈએ કે કયા પ્રકારની પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ છે, કયા ધોરણો માન્ય છે અને ઉત્પાદકો સામે અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે. જો સરકાર પાસે આંકડા નથી, તો માત્ર નાના વેપારીઓને હેરાન કરવાનો તેને કોઈ નૈતિક અધિકાર નથી.
કાયદો સૌ માટે એકસરખો હોવો જોઈએ. માત્ર નાના વેપારીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી દંડ વસૂલવો બંધ કરો. ગેરકાયદેસર હોય તો ઉત્પાદન બંધ કરો, નહીં તો વેપારીઓને હેરાન કરવાનું બંધ કરો.


