રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ
અનરાધાર વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં સેવાકાર્ય
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સાર્વત્રિક વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. અનરાધાર વરસેલા ધોધમાર વરસાદને પગલે રાજુલા તાલુકાના અનેક ગામડાઓમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને મોટું નુકસાન થયું છે. ત્યારે રાજુલાના વિક્ટર, પીપાવાવધામ વિસળીયા સહિતના નીચાણવાળા ગામોમાં પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયુ હતું. આ પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્તોની વહારે સ્થાનિક નેતાઓ દોડી આવ્યા હતા. અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયા અને સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને જરૂરી મદદની ખાતરી આપી હતી. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની સહાય માટે રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન કમલેશભાઇ મકવાણા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત કામગીરીમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઇ ધાણીધારીયા, સામજીભાઇ, તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ ગુજરીયા, પ્રતાપભાઇ બેપારીયા, સાગરભાઇ સરવૈયા, કાનાભાઇ ગોહિલ સહિતના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ તથા વહીવટી તંત્રની ટીમ જોડાઇ હતી. અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડી માનવતા મહેકાવી હતી.


