કાઠીયાવાડ બાલાશ્રમના મુખ્ય દાતા રાજવી પરિવારના સ્વજનોનું સંસ્થા દ્વારા સન્માન
૧૨૦માં વર્ષના મંગલ પ્રવેશની ત્રણ દિવસીય શાનદાર ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
અનાથ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપતી સંસ્થા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની સ્થાપનાના ૧૨૦ માં વર્ષમાં પ્રવેશની ઉજવણીના અવસરે યોજાયેલ ત્રિદિવસીય ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલની આગેવાની અને ટ્રસ્ટીઓ તથા બાળકોની ઉપસ્થિતિમાં બર્થડે કેક કાપીને સાદાઈ પૂર્વક ઉજવણી કરાયેલ તદુપરાંત બાલાશ્રમના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસંગો-સંસ્કૃતના શ્લોકનું અદભુત પઠન ઉપરાંત અવનવા ડ્રેસ પરિધાન કરી ગણપતિ વંદના સહીત ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત એ.વી.જશાણી વિદ્યામંદિરના ઓડીટોરીયમમાં બાલાશ્રમ સંસ્થાના સ્થાપક મોરબીના રાજવી પરિવાર તથા રાજકોટના રાજવી પરિવારના વારસદારો ઉપરાંત ૧૧૯ વર્ષના સંસ્થાના સુવર્ણ કાળમાં પ્રમુખ તથા સેક્રેટરી તરીકે સેવા આપેલ છે તેમાંથી હયાત પૂર્વ હોદેદારોનું શાલ ઓઢાડી બુકે આપીને હાલની કારોબારી ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવેલ.
સંસ્થાના હાલના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) સહિતના હોદેદારો સી. એચ. પટેલ, પ્રવીણભાઈ અઘારા, રાજુભાઈ મહેતા, કેયુરભાઈ મેહતા, અરુણાબા ચુડાસમા, દેવ્યાનીબેન કોઠારી, સંદીપભાઈ મેહતા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમારંભમાં મોરબી રાજવી પરિવારના યુવરાજ અર્જુનસિંહ તથા ધ્રુવકુમારસિંહનો પરિવાર ઉપરાંત રાજકોટના રાજવી પરિવારના યુવરાજ માંધાતાસિંહજી જાડેજાનો પરિવાર તથા ઉપરાંત અત્યાર સુધીના પૂર્વ પ્રમુખોમાં હયાત જયંતભાઈ દેસાઈ, દિનેશભાઈ પારેખ, હરેશભાઈ વોરા તથા પૂર્વ સેક્રેટરી અનંતભાઈ કક્કડ, હીરાભાઈ માણેક, જગદીશભાઈ ભીમાણીનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે બાલાશ્રમને શણગાર કરવામાં આવેલ છે અને સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના નાના-મોટા પ્રસંગોપાત કરવામાં આવતા નૃત્ય-ગીત સ્પર્ધા વગેરેનું સુંદર આયોજન કરવામાં આવેલ બાલાશ્રમની કુમાર છાત્રાલયના વિદ્યાર્થી યુવરાજ પરમાર દ્વારા વારસાની વિરાસત સમાન સંસ્કૃતના અમૂલ્ય શ્લોકનું પઠન કરીને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દીધેલ શાળાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાના સંગીતની સુરાવલી સાથે પાઠ અને પ્રાર્થના કરીને તમામને આનંદિત કરી દીધેલ છે.


