શામપરા ગામની 225 બહેનોનું સુરત ખાતે ભવ્ય સ્નેહ મિલન યોજાયું
બાળપણની યાદો તાજી થઈ, બ્લડ કેમ્પ દ્વારા સેવા કાર્ય કરાયું
અગ્ર ગુજરાત, સુરત
શામપરા (સીદસર) ગામની 20 થી 80 વર્ષની તમામ બહેનોનું ભવ્ય “સ્નેહ મિલન” કાર્યક્રમ તારીખ 10/07/26 મલ્હાર ઢોસા અબ્રામા રોડ મોટા વરાછા સુરત ખાતે ઉત્સાહભેર યોજવામાં આવ્યો. ગામથી દૂર વસેલી બહેનો એક જ મંચ પર ભેગી થઈ અને જૂની યાદોને તાજી કરી.
આ કાર્યક્રમમાં દરેક બહેન-દીકરીઓએ ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસ સાથે ભાગ લીધો. ફૂલ ધીંગા મસ્તી, ગરબા, ગીત-સંગીત અને રમતો સાથે જૂના દિવસોની યાદો વાગોળવામાં આવી. બાળપણના દિવસો, શાળા, ગામની વાતોને યાદ કરી સૌ કોઈ ભાવુક બની ગયા.
કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે સ્નેહ મિલનની સાથે બ્લડ કેમ્પ અને ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામડાની વાનગીઓનો સૌએ સ્વાદ માણ્યો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી વિરડીયા ક્રિષ્ના ધામેલીયા, રિના જેતાણી અને શોભા વીરડીયા બહેનોએ દિવસ-રાત મહેનત કરી. તેમના અવિરત પ્રયાસોના કારણે 225 જેટલી બહેનોને એકત્ર કરી આ “ગેટ ટુ ગેધર”ને ઐતિહાસિક બનાવવામાં આવ્યો.
આયોજકોએ જણાવ્યું કે, “આવા સ્નેહ મિલનથી બહેનો વચ્ચેનો પ્રેમ અને એકતા વધુ મજબૂત બને છે. દર વર્ષે આ કાર્યક્રમને વધુ ભવ્ય રીતે ઉજવવાનો સંકલ્પ છે.” સમગ્ર કાર્યક્રમ હાસ્ય, આનંદ અને બહેનપણીના માહોલમાં સંપન્ન થયો.


