જેતપુરની ‘તત્કાલ ચોકડી’ પર સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું
તંત્રની બેદરકારીથી વાહનચાલકો-રાહદારીઓની મુશ્કેલી વધી
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ-જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલી જેતપુરની અત્યંત વ્યસ્ત ગણાતી ‘તત્કાલ ચોકડી’ હાલમાં અંધારપટમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અહીં સ્ટ્રીટલાઈટો બંધ હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ચોકડી હવે અકસ્માતનું કેન્દ્ર બની રહી છે.
રાજકોટ-જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલી જેતપુરની વ્યસ્ત ‘તત્કાલ ચોકડી’ હાલમાં અંધારપટમાં ગરકાવ થઈ ગઈ છે.જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી રહી છે. આ ચોકડી માત્ર સ્થાનિક વિસ્તાર માટે જ નહીં, પરંતુ ધોરાજી, ઉપલેટા અને પોરબંદર તરફ જતા વાહનચાલકો માટે મુખ્ય ધમની સમાન છે. હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર ધરાવતી આ ચોકડી પર રાત્રિના સમયે સૂર્યાસ્ત બાદ અંધારપટ છવાઈ જાય છે. લાઈટો બંધ હોવાથી અજાણ્યા વાહનચાલકોને વળાંક કે ચોકડીનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માતોની ભીતિ સતત તોળાઈ રહી છે.
આ ચોકડી પર ભૂતકાળમાં આ જ ચોકડી પર અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અકસ્માતોનો ઈતિહાસ હોવા છતાં, સંબંધિત તંત્ર કે હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. છેલ્લા ઘણાં દિવસોથી બંધ લાઈટો હોવા છતાં તંત્ર ‘ઘોર નિદ્રા’માં હોય તેવું લાગી રહ્યું છે.
રાત્રિના સમયે અહીંથી પસાર થવું વાહનચાલકો માટે જીવના જોખમ સમાન છે. ખાસ કરીને હાઈવે પરથી પુરપાટ ઝડપે આવતા વાહનોને કારણે સ્થાનિક લોકો અને નાના વાહનચાલકોએ સતત ફફડતા રહેવું પડે છે. પ્રજાના ટેક્સના પૈસે બનેલી સ્ટ્રીટલાઈટો શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જવાબદાર અધિકારીઓ ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવશે અને લાઈટો ચાલુ કરી અંધારપટ દૂર કરશે, તે એક મોટો પ્રશ્ન છે. વાહન ચાલકો અને રાહદારીઓ વહેલી તકે આ ચોકડી પર યોગ્ય લાઈટિંગની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.


