ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ
શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના નિર્દેશથી પોલીસ કાર્યવાહી, અટકાયત અને ત્રણ સભ્યોની તપાસસમિતિ ની રચના
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-7 ના વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના સીધા હસ્તક્ષેપ બાદ આરોપી શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે શાળાના આચાર્યની ફરિયાદના આધારે ઉના પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષકની અટકાયત કરી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના પણ કરી છે.
માહિતી મુજબ, 20 જૂનના રોજ બનેલી ઘટનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. શાળાના આચાર્યે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે અગાઉ પણ અનેક વખત શિક્ષક માટે દારૂ લાવી આપ્યો હોવાનો દાવો કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે સંબંધિત શિક્ષક સામે અગાઉથી નશાની હાલતમાં શાળાએ આવવાના આક્ષેપો થતા રહ્યા હતા અને આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.ઘટના ની વિગતો મીડિયામાં પ્રકાશિત થતાં સમગ્ર શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જિલ્લા પોલીસ અધિક્ષક તથા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે તાત્કાલિક વાતચીત કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવા અને તપાસ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને શિક્ષણ વિભાગે સસ્પેન્શનનો આદેશ જાહેર કર્યો અને પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે ગીર સોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે. સમિતિના અહેવાલના આધારે આગળની વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ફરિયાદોના સમયસર નિકાલ અને શિક્ષણ વિભાગની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક વાલીઓ અને ગ્રામજનોએ પણ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને સગીર વિદ્યાર્થીનો ઉપયોગ કરનાર તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાની રચના બાદ છેલ્લા 14 વર્ષમાં પ્રથમ વખત કોઈ શિક્ષકના સસ્પેન્શનનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની સહીથી બહાર પાડવા માં આવ્યો છે. આ કાર્યવાહી શિક્ષણ વિભાગમાં ચર્ચા નો વિષય બની છે.
શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી તપાસ ઝડપથી પૂર્ણ કરવા, આરોપી સામે કડક કાયદેસરની અને વિભાગીય કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓના હિતમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
સંબંધિત શિક્ષકની બદલી તાલાલા તાલુકાની રમરેચી પ્રાથમિક શાળામાં કરવામાં આવતાં સ્થાનિક સ્તરે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગ્રામજનોએ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા શિક્ષકને બીજી શાળામાં મુકવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.


