ગઢાળા નજીક ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જનો દરોડો, ચાર જુગારી ઝડપાયા
પાંચ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર; રૂ. 4.71 લાખનો મુદ્દામાલ જપ્ત, બાબરા અને ખંભાળાના બે શખ્સો કલબના સંચાલક હોવાની શંકા
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના ગઢાળા ગામ નજીક ખંભાળા-ભડલી રોડ પર ધમધમતી ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જ પોલીસની ટીમે અચાનક દરોડો પાડતાં જુગારીઓમાં ભારે નાસભાગ મચી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે પાંચ આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ રકમ, વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ. 4.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલી રહી છે. તેના ભાગરૂપે પીઆઈ અપૂર્વ પટેલના નેતૃત્વમાં પીએસઆઈ પી. એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઢાળા ગામ નજીક દરોડો ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રજાક જમાલ ખોરાણી (નવાગઢ, જેતપુર), સંજય વાઘજી વાઘેલા (કરીયાણા ગામ, બાબરા), મુકેશ હિપા સરેલીયા (લીંબડીયા, ગઢડા-સ્વામિનારાયણ) અને મનિષ નાનજી મારૂ (કરીયાણા રોડ, બાબરા)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 61,100, ત્રણ મોબાઇલ ફોન, ત્રણ બાઇક, એક ઇકો કાર સહિત કુલ રૂ. 4,71,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન સંજય સામત ગરાણીયા (ગઢાળા), સુરેશ મકવાણા (બાબરા), ભરત વાટુકીયા (ગઢાળા), વલ્લભ કોળી (ખંભાળા) અને બીજલ કોળી (ખંભાળા) સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ બાબરાનો સુરેશ મકવાણા અને ખંભાળાનો બીજલ કોળી ભાગીદારીમાં આ ઘોડી-પાસાની જુગાર કલબ ચલાવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેલીઓ અહીં જુગાર રમવા આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી વધુ તપાસ શરૂ કરી છે.


