મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત
રામદેવપીર ચોકડી પાસે રાત્રે બની દુર્ઘટના : માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન દમ તોડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના રામદેવપીર ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ઘરની છત પર બેસીને મોબાઈલ ફોનમાં વાતચીત કરી રહેલો 18 વર્ષીય યુવક અચાનક સંતુલન ગુમાવી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, શાસ્ત્રીનગર શેરી નં. 7, રામદેવપીર ચોકડી વિસ્તારમાં રહેતો રાજ ગોવિંદભાઈ શાહ (ઉં.વ. 18) શનિવારે મોડી રાત્રે પોતાના મકાનની છત પર બેઠો હતો. તે છતની પાળીએ બેસીને મોબાઈલ ફોન દ્વારા પોતાના વતન ઉત્તર પ્રદેશમાં પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં તે સીધો નીચે પટકાયો હતો.
ઘટનામાં રાજને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં પરિવારજનો અને આસપાસના લોકોએ તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પરિવારના જણાવ્યા મુજબ, રાજ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં પરિવાર સાથે રહેતો હતો. તે ફર્નિચર મજૂરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો રાજના અકાળે નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે વિસ્તારમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.


