સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેંચ માટે રાજકોટમાં વકીલોનું શક્તિપ્રદર્શન, 25 જુલાઈએ મહાબેઠક
સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા અને તાલુકા બાર એસોસિએશનના પ્રતિનિધિઓ એક મંચ પર આવશે; છેવાડાના લોકોને ઝડપી અને સુલભ ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ માંગ વધુ તેજ બનશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર અને કચ્છના લાખ્ખો પક્ષકારો તેમજ વકીલોના હિત માટે વર્ષોથી ચાલી રહેલી હાઈકોર્ટ બેંચની માંગણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. રાજકોટ બાર એસોસિએશને આ વર્ષો જૂની લડતનું બીડું ઝડપીને આગેવાની લીધી છે. આગામી શનિવાર, તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટના જામનગર રોડ પર આવેલી નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા-તાલુકાના બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલ પ્રતિનિધિઓની એક મહાબેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં હાઈકોર્ટ બેંચ મેળવવા માટે ઝડપી અને આક્રમક પગલાં લેવા અંગે વિસ્તૃત રોડમેપ તૈયાર કરાશે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટમાં હાઈકોર્ટની બેંચ સ્થાપવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના લોકોને પણ ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે તેમ છે. હાલમાં કચ્છ, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, જામનગર અને મોરબી જેવા વિસ્તારોમાંથી પક્ષકારો અને વકીલોને કેસની સુનાવણી માટે છેક અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવી પડે છે. આ પ્રક્રિયામાં તેમનો આખો દિવસ વ્યર્થ જાય છે અને અસહ્ય નાણાકીય બોજ પણ સહન કરવો પડે છે. જો રાજકોટમાં બેંચ મંજૂર થાય તો આ તમામ મુશ્કેલીઓનો કાયમી અંત આવી શકે તેમ છે.
આ અગાઉ પણ હાઈકોર્ટ બેંચ માટે વકીલો દ્વારા લાંબા આંદોલનો ચલાવવામાં આવ્યા છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશન સંગઠિત થઈને એક મંચ પરથી અવાજ ઉઠાવવા જઈ રહ્યા છે. રાજકોટમાં બેંચ આવવાથી સૌરાષ્ટ્રના સ્થાનિક વકીલો અમદાવાદ ગયા વિના જ પોતાની ધારદાર રજૂઆતો અહીં કરી શકશે, જેનાથી જૂનિયર અને સિનિયર વકીલોના સમય અને વ્યવસાયિક ગરિમાને મોટો વેગ મળશે.


