યુનિયન દ્વારા કરાયેલી આરટીઆઇમાં ચોંકાવનારો ખૂલાસો
સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી
૨૫૦ થી ૭૫૦ મીટરના નિયમ સામે એક કર્મચારી પાસે ૧૦૦૦ થી ૨૦૦૦ મીટર વિસ્તારમાં કરાવાતી કામગીરી
મનપાના જવાબદાર તત્વો અને કોન્ટ્રાકટરો સીધુ સેટીંગ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની ગંધ : યુનિયન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાપાલિકાની સફાઇ કામગીરીમાં મોટાપાયે ગેરરીતિઓ થતી હોવાનો એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સફાઇ કામદારોનું શોષણ થઇ રહ્યું છે અને એક જ કર્મચારી પાસે બે લોકોનું કામ કરાવવામાં આવતુ હોવાનું રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં ખૂલાસો થયો છે.
રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા દ્વારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો, લઘુત્તમ વેતન, PF, ESI, બોનસ અને તેમના સફાઈ વિસ્તારની ભૌગોલિક મર્યાદાઓ અંગે મનપામાં RTI દાખલ કરવામાં આવી હતી. આ RTI ના જવાબમાં મનપાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર એક સફાઈ કામદારને 250 થી 750 મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ આધારિત અને મિત્ર મંડળના તમામ સફાઈ કામદારોને લાગુ પડે છે.
પરંતુ, જ્યારે કામદાર યુનિયન દ્વારા જમીની હકીકત તપાસવા માટે વોર્ડ નંબર 11નાં નાનામવા વિસ્તાર (ભીમનગરથી બ્રિજ સુધીનો રોડ) અને વોર્ડ નંબર 9 ના વિવિધ વિસ્તારોમાં પોતાના રોડોમીટર (માપણી સાધન) વડે પ્રત્યક્ષ માપણી કરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સત્તાવાર નિયમોમાં 750 મીટરની મર્યાદા હોવા છતાં, વાસ્તવમાં એક જ સફાઈ કામદાર પાસે 1000 મીટર, 1300 મીટર અને ક્યાંક તો 2000 મીટર જેટલા વિશાળ વિસ્તારની સફાઈ પ્રત્યક્ષ રીતે કરાવવામાં આવી રહી છે. જે નિયત મર્યાદા કરતાં બમણા કે ત્રણ ગણાથી પણ વધારે છે.
કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ આ અંગે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, આ માત્ર સફાઈ વિસ્તાર વધારવાનો મામલો નથી, પરંતુ તેની પાછળ એક સુનિયોજિત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિ પાસે બે કે ત્રણ વ્યક્તિ જેટલો સફાઈ વિસ્તાર સાફ કરાવવામાં આવે છે, ત્યારે કાગળ પર અન્ય જગ્યાઓ ખાલી બતાવવામાં આવતી હશે અથવા તો અન્ય નામે ખોટા પગારો ઉધારવામાં આવતા હોવાની પૂરેપૂરી શંકા છે. એક સફાઈ કામદાર પાસે બે વ્યક્તિનું કામ કરાવીને મનપાના જવાબદાર તત્વો અને કોન્ટ્રાક્ટરો સીધું સેટિંગ કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેની અમને સ્પષ્ટ ગંધ આવી રહી છે.
રાજકોટમાં કોન્ટ્રાક્ટ, કાયમી કે મિત્ર મંડળના જેટલા પણ સફાઈ કામદારો છે, તે તમામના વિસ્તારોમાં આ પ્રકારે વ્યાપક ગેરરીતિઓ ચાલી રહી છે. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે સફાઈ કામદારો સવારથી સખત શારીરિક શ્રમ કરે છે, તેમ છતાં નિયમ કરતાં બમણો વિસ્તાર આપીને તેમનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે, જ્યારે વહીવટી સ્તરે આ ગોલમાલના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે.
જો મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ સફાઈ વિસ્તારોની સત્તાવાર માપણી કરીને કામદારોને ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ અંગે કામદાર યુનિયન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની સાથે જ કાયદાકીય લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ વિવાદના કારણે રાજકોટના સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરો : યુનિયન
કામદાર યુનિયને સ્પષ્ટ માંગણી કરી છે કે જો સરકારનો નિયમ 250 થી 750 મીટરનો જ હોય, તો પછી સફાઈ કામદારો પાસે 750 મીટરથી વધારે લાંબો વિસ્તાર કેમ સાફ કરાવવામાં આવે છે? ત્યારે હવે શહેરમાં કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળ હેઠળ કામ કરતા તમામ સફાઈ કામદારોના પ્રત્યક્ષ સફાઈ વિસ્તારોની નવેસરથી માપણી કરવામાં આવે. સરકારના નિયત કરાયેલા 250 થી 750 મીટરના નિયમનું ચુસ્તપણે પાલન કરીને દરેક સફાઈ કામદારને તે જ મર્યાદામાં વિસ્તાર ફાળવવામાં આવે. અને નિયમ બહાર કામ કરાવીને આચરવામાં આવેલા કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે.
નિયમ મુજબ જ કામગીરી થાય છે : અધિકારી
આ સમગ્ર વિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે મનપાની સોલીડ વેસ્ટ શાખાના અધિકારી પ્રજેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, દરેક સફાઈ કામદારને હાલ 550 મીટર આસપાસનો વિસ્તાર જ સોંપવામાં આવ્યો છે. કામદાર યુનિયન દ્વારા બંને તરફ માપણી કરવામાં આવે છે. હકીકતમાં એકતરફ જ માપણી કરવાની હોય છે. આમ યુનિયન દ્વારા કરવામાં આવેલી માપણીમાં જ ભૂલ છે. બાકી શહેરમાં સફાઈ કામગીરી નિયમોનુસાર જ ચાલે છે અને કોઈ પણ કામદાર પાસે ગેરકાયદે વધારાનું કામ લેવામાં આવતું નથી. સફાઈ વિસ્તારોનું વિભાજન ભૌગોલિક સ્થિતિ અને વસ્તીની ગીચતાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે. છતાં આ મામલે ફરીથી એકવાર તપાસ કરવામાં આવશે.


