ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનો વીડિયો વાયરલ
સરપંચની ટિકિટની લાલચ આપી કાર્યકર પાસે પગની માલીશ કરાવતા ભાજપ નેતા
વીડિયો વાયરલ થતા ભાજપમાં ભૂકંપ : તપાસના આદેશ આપતા તાલુકા પ્રમુખ : ચેરમેનનો બચાવ વીડિયો માત્ર મજાક-મસ્તી છે
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક કાર્યકર ચેરમેનના પગ દબાવતો અને મસાજ કરતો જોવા મળે છે, જ્યારે ચેરમેન તેને સરપંચ પદ આપવાનું વચન આપી રહ્યા છે. આ ઘટનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં રાજ્યભરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાવાર સંગઠન દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ધારી વિધાનસભા ક્ષેત્રમાં આવતા ખાંભા તાલુકા મંડળ દ્વારા ધારી ગીરમાં આવેલા લાયનડેન રિસોર્ટમાં બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાયરલ થયેલા આ વીડિયો ક્યાનો છે તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી. પરંતુ કાર્યકરોમાં ચર્ચા છે કે, પ્રશિક્ષણ વર્ગ દરમિયાન રિસોર્ટના એક રૂમનો આ વીડિયો છે.
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક સામાન્ય કાર્યકર ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવના પગ દબાવી રહ્યો છે અને પગની માલિશ કરી રહ્યો છે. આ દરમિયાન ભાવેશ જાદવ કાર્યકરને સરપંચ બનવાનું વચન આપે છે. જેનાથી કાર્યકર ભારે ઉત્સાહમાં આવી જાય છે.
કાર્યકર પગ દબાવીને સેવા કરી રહ્યો છે તેમજ બોલી રહ્યો છે કે, પ્રાણ જાય પણ વચન ન જાય, મને ભાવેશ ભાઈએ ગ્રામ પંચાયતનું વચન આપ્યું છે અને આપણે બહુમતિથી જીતીશું. કેટલા વર્ષોથી સેવા કરીએ છીએ જેનો લાભ મળશે. આટલું જ નહીં, વીડિયોમાં સત્તાના નશા અને પદની લાલચનો ખુલ્લો ખેલ પણ જોવા મળી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થતાં અને પક્ષની છબી ખરડાતાં ભારે વિવાદ જાગ્યો હતો. આ અંગે જ્યારે વિવાદના કેન્દ્રમાં રહેલા ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રિસોર્ટની ઘટનાનો સાવ ઇનકાર કર્યો હતો. તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, આ વીડિયો સુરતમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે. અમે મિત્રો-કાર્યકરો સાથે બેઠા હતા ત્યારે માત્ર મજાક-મસ્તીના મૂડમાં આ બધું બોલાયું હતું. વીડિયોમાં દેખાય છે તેવી કોઈ ઘટના બની નથી.
બીજી તરફ આ મામલે ખાંભા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ આનંદ ભટ્ટ પણ હરકતમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ વીડિયો ધારી ગીરના રિસોર્ટનો છે કે અન્ય કોઈ જગ્યાનો તેની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી. પરંતુ પક્ષના જવાબદાર પદાધિકારી તરફથી આ પ્રકારનું વર્તન બિલકુલ યોગ્ય ન કહી શકાય. પક્ષ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યો છે અને વીડિયો ક્યાંનો છે તે અંગે અમે તપાસ કરાવી રહ્યા છીએ.


