ગોંડલ માર્કેટિંગ યાર્ડના સિક્યુરિટી સાથે રૂ.૧ લાખની છેતરપિંડી
મકાનનો સોદો કર્યા બાદ ૧ લાખ સુથી પેટે આપ્યાં, લોન પુરી કર્યા વગર મકાનનો કબ્જો આપ્યો અને બીજા દિવસે બેંક વાળા સીલ મારી ગયાં: ગોંડલના આનંદ ગોહેલ સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે રૂ.૧ લાખની ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. મકાનનો સોદો કર્યા બાદ ૧ લાખ સુથી પેટે આપ્યાં હતાં. જે બાદ લોન પુરી કર્યા વગર મકાનનો કબ્જો આપ્યો અને બીજા દિવસે બેંક વાળા સીલ મારી ગયાં બાદ સુથીની રકમ પરત ન કરતાં ગોંડલના આનંદ ગોહેલ સામે ગુનો નોંધાયો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગોંડલમાં નાની બજારમાં ભાડાના મકાનમાં રહેતાં રહેતાં નિતીનભાઈ ભિખાભાઈ વાજા (ઉ.વ.૫૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આનંદ વીરેન્દ્ર ગોહેલ રહે. કપુરીયાપરા, ગોંડલનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ નવા યાર્ડમાં ચોકીદાર તરીકે કામ કરે છે.
ગઇ તા.૧૬/૧૦ ના રોજ તેઓને મકાન ખરીદવુ હોય જેથી આજુબાજુ તપાસ કરાવતા જાણવા મળેલ કે ગોંડલ કપુરીયાપરા રામદેવપીરના મંદીરની પાસે રહેતા આનંદભાઇ ગોહેલનુ મકાન વેચવા મુકેલ છે, જેથી તેમની સાથે રૂબરૂ મુલાકત લઇ મકાન બાબતે લે-વેચ ની વાત ચીત કરેલ અને મકાન લેવા માટે નક્કી થયેલ હતુ. આ આનંદભાઈનુ મકાન રૂ.૬.૫૫ લાખમા ખરીદી કરવાનુ હોય જે અંગે ગોંડલ નવી કોર્ટની બાજુમા આવેલ ભરતભાઈ વોરાની દુકાને નોટરી કરાર કરેલ અને ત્યારે આનંદને તેમના મકાન બાબતે સુથી પેટે રૂ.૧ લાખ આર.ટી.જી.એસ.થી આપેલ હતા.
આ આનંદભાઇનુ મકાન તેમના પત્ની નયનાબેન ગોહેલના નામે હોય જે મકાન ગોંડલ સીટી સર્વે વોર્ડ નં-૧, શીટ નં.૪૬ સી.સ.નં-૫૦૨ પૈકી ની જમીન ચો.મી.૨૧-૯૦ ઉપર લોન ચાલુ હોય જેથી લોન પુરી થયા બાદ ત્રણ મહીના બાદ મકાનનો કબ્જો આપવાનુ નક્કી થયેલ અને બાકી રહેલ પૈસા આ મકાનની લોન પુરી કરી મકાનનો દસ્તાવેજ આપે ત્યારે આપવાના નક્કી થયેલ હતું.
બાદ ત્રણ મહીના થઇ જતા આ આનંદએ તેમના મકાનનો કબ્જો આપી દિધેલ અને મકાનનો કબ્જો આપેલ હોય તે બાબતેની નોટરી કરાર પણ કરાવી આપેલ અને થોડા સમય જતા આ લીધેલ મકાન રાજકોટ આધાર બેન્ક વાળાએ મકાનમા શીલ કરી દિધેલ હતુ. જેથી આરોપીને આ બનાવ બાબતે વાત કરતા તેને જણાવેલ કે, મે આ મારા મકાન ઉપર લીધેલ લોન ભરેલ નથી જેથી મકાનમાં બેંક વાળાએ શીલ કરી દિધેલ છે.
જેથી આરોપીને કહેલ કે તમને આપેલ મકાનના સુથી પેટે રૂ.૧ લાખ પાછા આપી દો તો તે ખોટા વાયદા આપીને આજ સુધી આ મકાનના સુથી પેટે આપેલ રૂ. ૧ લાખ ન આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે છેતરપીંડી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.


