અકસ્માત અટકાવવા રેલ્વેનો આધુનિક પ્રયોગ: પાયલોટને મળશે AIની તાલીમ
રાજકોટ ડિવિઝનની નવીન પહેલ: AI આધારિત ‘સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર’ વિકસાવાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સુરક્ષા અને ક્રૂ (ચાલક દળ) ના કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા ‘સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર’ વિકસાવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આ અત્યાધુનિક સિમ્યુલેટર લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. આનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિમ્યુલેટર વાસ્તવિક રેલ માર્ગોના વીડિયો અને AI આધારિત રિયલ-ટાઇમ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેમાં દિવસ, રાત્રિ, વરસાદ અને ગાઢ ધુમ્મસ જેવી વિવિધ પરિસ્થિતિઓનું સિમ્યુલેશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લોકો પાયલટ દરેક પ્રકારની પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કામ કરવા માટે સક્ષમ બનશે.
સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) (Sr. DEE/TRO) મનોજ કુમાર રાવે જણાવ્યું હતું કે, સિમ્યુલેટરમાં પશુ સાથે અથડામણ, વ્યક્તિ સાથે અથડામણ, વાય (Y) અને ડબલ વાય (YY) સ્પીડ રિસ્ટ્રિક્શન ઇન્ડિકેટર્સ (ગતિ પ્રતિબંધ સંકેત) તેમજ સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર (SPAD) જેવી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિઓની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આના માધ્યમથી લોકો પાયલટોના રિસ્પોન્સ ટાઈમ (પ્રતિક્રિયા સમય), બ્રેકિંગ સ્કીલ, સ્પીડ અને સિગ્નલના પાલનમાં સુધારો થવાની સાથે કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપી અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વિકસે છે. તાલીમ બાદ ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટ ઉપલબ્ધ થાય છે, જેનાથી ખામીઓ ઓળખીને તાલીમને વધુ અસરકારક બનાવી શકાય છે.


