રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો
બેઝિક અને એડવાન્સ કોર્સ માટે હોર્સ રાઇડિંગ લવર્સનું લાંબુ વેટિંગ; અશ્વસવારીથી સાહસ, આત્મવિશ્વાસ વધવાની સાથે મેદસ્વિતામાંથી મળે છે મુક્તિ
અગ્ર ગુજરાત, રાજકોટ
સવાર પડે એટલે અનેક ફિટનેસ-લવર્સ જીમ, ગાર્ડન કે ગ્રાઉન્ડમાં પહોંચી જાય, પરંતુ રાજકોટમાં કેટલાક ફિટનેસ પ્રેમીઓ એવા છે, જેમનો સૂર્યોદય ‘ઘોડા’ પર થાય છે. આ લોકો સૂર્ય ઉગે તે પહેલાં જ રાજકોટમાં સ્વ. આર.ડી. ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબ (પોલીસ હોર્સ રાઈડિંગ સ્કૂલ)માં પહોંચી જાય અને ઘોડેસવારી શરૂ કરી દે છે. જ્યારે સૂર્ય પૂર્વાકાશમાંથી ઊગી આવે ત્યાં સુધીમાં તો તેઓનું રાઈડિંગ અડધું પૂર્ણ પણ થઈ ગયું હોય છે.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક વી. જે. વ્યાસના માર્ગદર્શનમાં, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોપટપરામાં સ્વ. આર.ડી. ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબ તેમજ ગુજરાત અશ્વ તાલીમ શાળાનું સુચારું સંચાલન કરવામાં આવે છે. અહીં ચાલતી હોર્સ રાઈડિંગ સ્કૂલમાં ઘોડેસવારી શીખવા યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળે છે.
યુનિટના પોલીસ ઈન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયા જણાવે છે કે, નાગરિકો માટે અહીં બેઝિક અને એડવાન્સ એમ બે પ્રકારના કોર્સ છે. પહેલા ત્રણ માસ બેઝિક તાલીમ લીધા પછી ત્રણ માસના એડવાન્સ કોર્સમાં જઈ શકાય છે. બેઝિક તાલીમમાં ઘોડા પાસે જવાથી લઈને તેના પર સવારી કરવા સુધીની તાલીમ ત્રણ માસ માટે આપવામાં આવે છે, જ્યારે એડવાન્સ કોર્સમાં વોકિંગ, ટ્રોટિંગ, કેન્ટરિંગ વગેરે તાલીમ આપવામાં આવે છે.
એક બેચમાં સરેરાશ ૩૦થી ૪૦ લોકો હોય છે. જેમાંથી ૫૦ ટકા તો યંગસ્ટર્સ હોય છે. ૧૪ વર્ષ તથા તેનાથી મોટી વયની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ અશ્વસવારી શીખવા માટે અરજી કરી શકે છે. ક્રેઝ એવો છે કે, નવી બેચ શરૂ થાય ત્યારે તુરંત ફુલ થઈ જાય છે. તમામને તક મળે તે માટે અહીં વેઈટિંગ રજિસ્ટર નિભાવવામાં આવે છે. હાલમાં જુલાઈ માસમાં નવી બેચ શરૂ થઈ છે અને હાલ ૧૧૦નું વેઈટિંગ છે. રાજકોટના ડોક્ટર્સ, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન્સ બધી શ્રેણીના લોકો હોર્સ રાઈડિંગ શીખવા આવે છે.
નોંધનીય છે કે, અશ્વ એ માત્ર પ્રાણી નથી, પણ માનવીનો ઉમદા મિત્ર, સ્ટેટ્સ સિમ્બોલ, શક્તિનું પ્રતીક છે. અશ્વસવારીનો રોમાંચ અનોખો હોય છે. તેનાથી વ્યક્તિમાં સાહસ, આત્મવિશ્વાસનો ગુણ વિકસે છે. આ સાથે મેદસ્વિતામુક્તિ અને ફિટનેસના અનેક ફાયદાઓ છે.
એક સામાન્ય અંદાજ મુજબ, ૬૫થી ૭૦ કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિ જો ૩૦ મિનિટ ઘોડેસવારી કરે, તો અંદાજે ૧૫૦થી ૩૦૦ કેલેરી બર્ન થઈ શકે છે. ઘોડાની ચાલ પ્રમાણે વધુ કેલેરી પણ બર્ન થતી હોય છે. ૩૦ મિનિટ સામાન્ય ચાલમાં ૧૨૦-૧૫૦ કેલેરી, ટ્રોટિંગ (મધ્યમ ગતિ) ચાલમાં ૨૦૦-૨૪૦ કેલેરી, ગૅલપિંગ અથવા તો કેન્ટરિંગ (ઝડપી દોડ)માં ૨૭૦-૩૫૦થી વધુ કેલેરી બર્ન થતી હોય છે.
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ (“Health Benefits of Horseback Riding”)માં જાણવા મળ્યું છે કે ઘોડેસવારી ઉત્તમ કાર્ડિયોવાસ્ક્યુલર કસરત છે. ૩૦ મિનિટની સક્રિય સવારી એટલી જ ઊર્જા વાપરે છે જેટલી ૩૦ મિનિટ સુધી મધ્યમ ગતિએ દોડવાથી કે સાઈકલ ચલાવવાથી બર્ન થાય છે.
ઘોડેસવારી કરતી વખતે સંતુલન જાળવવા આખા શરીરના સ્નાયુઓનો સતત ઉપયોગ કરવો પડે છે. ઘોડાની ગતિ સાથે તાલ મિલાવવા માટે પેટ અને લોઅર બેકના સ્નાયુઓ સતત સક્રિય રહે છે, જેનાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે. ઘોડાને પકડી રાખવા અને ટ્રોટિંગ (મધ્યમ દોડ) વખતે સીટ પરથી સહેજ ઊંચા થવા માટે સાથળના અંદરના ભાગના સ્નાયુઓ પર ભારે દબાણ આવે છે. આનાથી લોઅર બોડી ટોન થાય છે. ઘોડેસવારી દરમિયાન આઇસોમેટ્રિક સ્નાયુઓનું સંકોચન થાય છે. આ પ્રકારની કસરતથી શરીરમાં લીન મસલ માસ વધે છે, શરીરનો મેટાબોલિક રેટ (ચયાપચયની ક્રિયા) પણ ઊંચો જાય છે. પરિણામે, તમે કોઈપણ કસરત ન કરતા હો ત્યારે પણ તમારું શરીર વધુ કેલેરી બર્ન કરતું રહે છે. ઘોડેસવારી ખુલ્લા મેદાનમાં અને પ્રકૃતિની વચ્ચે થાય છે. ઘોડા જેવા જીવંત પ્રાણી સાથેનો તાલમેલ મગજમાં એન્ડોર્ફિન (હેપ્પી હોર્મોન્સ) મુક્ત કરે છે, તણાવ ઘટાડે છે અને પરોક્ષ રીતે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.


