ઝરમર વરસતા વરસાદ વચ્ચે રોગચાળાનો અઝગરી ભરડો
વાયરલ ઈન્ફેક્શનનો હાહાકાર, તાવના ૯૧૬ દર્દીઓ
અઠવાડીયામાં જ ૨૨૧૫ દર્દી નોંધાયા: શરદી-ઉધરસના ૮૭૯, ઝાડા-ઉલ્ટીના ૪૧૭, ટાઈફોડના ૨, કમળાનો ૧ દર્દી, 3૦૦૦થી વધુ આર.સી. ટેસ્ટ, ૮૨૦3 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ: હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સિઝનનો ૧૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળાએ પણ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં જ ૨૨૧૫ જેટલા કેસ આરોગ્યના ચોપડે નોંધાયા છે જેમાં શરદી-ઉધરસના ૮૭૯, સામાન્ય તાવના ૯૧૬, ઝાડા-ઉલ્ટીના ૪૧૭, ટાઈફોડના ૨ અને કમળાના એક દર્દીનો સમાવેશ થાય છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૦/૦૭/૨૦૨૬ થી તા.૨૬/૦૭/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૧૨૨૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૬૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૭૭ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૦૧ અને કોર્મશીયલ ૨૭૧ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત તા.૨૦/૦૭/૨૦૨૬ થી તા.૨૬/૦૭/૨૦૨૬ દરમ્યાન કુલ ૨,૯૪,૮૫૫ જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન કુલ ૮,૨૦૩ જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ ૧,૩૩૫ જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ ૩,૧૭૩ જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવેલ છે


