જેતપુરમાં રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત
પરિવાર અને સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેતપુરના નકલંગ રોડ પર આવેલી સ્પેસ સ્કૂલ પાછળના વિસ્તારમાં બાંધકામ સ્થળે રમતા રમતા ચાર વર્ષનું માસૂમ બાળક જમીનમાં બનાવેલા ખુલ્લા પાણીના ટાંકામાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ ટેનામેન્ટ (બ્લોક)નું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ સ્થળે મૂળ દાહોદ જિલ્લાનો એક શ્રમિક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો અને કડિયા કામ સાથે રોજીરોટી રળીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારના વ્યક્તિઓ જ્યારે બાંધકામની મજૂરી કામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમનો ચાર વર્ષનો નાનો દીકરો બાંધકામની આસપાસ રમી રહ્યો હતો.
રમતા રમતા બાળક અચાનક બાંધકામ સ્થળે જમીનમાં આવેલા અને ખુલ્લા કે અસુરક્ષિત પાણીના ટાંકા પાસે પહોંચી ગયો હતો અને અચાનક પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળક લાંબા સમય સુધી દેખાયો નહીં ત્યારે પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ જ્યારે પાણીના ટાંકામાં તપાસ કરી, ત્યારે બાળક પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો.
પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે બાળકને પાણીના ટાંકામાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ ચકાસણી કરીને માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો.


