આવતીકાલે રાજકોટ બનશે રફીમય”: ૪૦ કલાકારો સાથે યોજાશે અવિ સ્મરણીય કાર્યક્રમ
આર.ડી.ઇવેન્ટ્સ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે રફી સાહેબની પૂણ્યતિથીએ આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
કલા નગરી રાજકોટ શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે આર.ડી.ઇવેન્ટ્સ પરેશ પોપટ દ્વારા ૩૧’જુલાઈ શુક્રવારે રાત્રે ૮.૪૫ કલાકે મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની ૪૬’મી પુણ્યતિથિએ ફિર રફી શીર્ષકથી એક વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે કાર્યક્રમ એક કદી વિસરી નહિ શકાય એવો બની રહેશે.
આ કાર્યક્રમમાં રાજકોટનાં ઇતિહાસમાં પ્રથમ વખત ૪૦ જેટલાં કલાકારો એક સાથે સ્ટેજ ઉપર રજુ થઈ રહ્યા છે જે શહેર માટે એક અનેરૂ આકર્ષણ બની રહેશે.
મોહમ્મદ રફી સાહેબનાં યાદગાર કર્ણપ્રિય ગીતો રજૂ કરવા માટે એક સાથે ૩ ખ્યાતનામ અને જગ વિખ્યાત વોઇસ ઓફ રફી ગાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં જુગલ કિશોર (દિલ્હી),મીરન રોય (મુંબઈ) અને શોએબ અહેમદ (મુંબઈ) નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે એમની સાથે એવી જ સુપ્રસિદ્ધ ગાયિકા શિફા અન્સારી (મુંબઇ) ને રજુ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં વાદ્યવૃંદમાં ૮ વાયોલિન, ૨ કિબોર્ડ, ૨ ગિટાર ઉપરાંત સેક્સોફોન, ડ્રમ સેટ, ઓક્ટોપેડ, તુંબા, કોંગો, તબલાં, ઢોલક અને સાઈડ રિધમ વગેરેને એક સાથે પરફોર્મ કરતાં નિહાળવા એક લ્હાવો બની રહેશે.
આર.ડી. ઇવેન્ટ્સનાં પરેશ પોપટ નો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવાના વર્ષોનાં અનુભવનો નિચોડ આ કાર્યક્રમમાં ઉડીને આંખે વળગશે. કાર્યક્રમની વધુ વિગતો મો.નં.૯૭૨૪૪ ૮૧૦૧૦ ઉપરથી મળી શકશે.


