અતિ ભારે વરસાદની ગંભીર આગાહીથી ૧૮ NDRFની ટીમો તૈનાત કરી દેવાઇ
અસરગ્રસ્ત જિલ્લાઓમાં એક-એક ટીમ મોકલાઇ : સંવેદનશીલ જિલ્લામાં મોરચો સંભાળ્યો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની ગંભીર આગાહીને પગલે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી કે પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યભરમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કુલ 18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરામાં 3 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં એક-એક ટીમ તૈનાત કરી દેવાઈ છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ અમદાવાદ, નવસારી, વાવ-થરાદ, કચ્છ, અમરેલી, દ્વારકા, વલસાડ, સુરત, ભાવનગર, દમણ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને ભરૂચ જિલ્લાઓમાં NDRFની ટીમોએ મોરચો સંભાળી લીધો છે.
ગાંધીનગરમાં ભારે વરસાદની આશંકા વચ્ચે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે વર્ગ-૧ અને વર્ગ-૨ ના ઉચ્ચ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. તમામ અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત ફાયર શાખાની તમામ ટીમો અને આરોગ્ય વિભાગને કોઈપણ સ્થિતિમાં એલર્ટ રહેવા આદેશ જારી કરાયા છે.
અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે ફાયર બ્રિગેડ પણ સજ્જ બન્યું છે. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં ફાયરની ટીમોને 6 બોટ સાથે તૈનાત રખાઈ છે. કોઈપણ રેસ્ક્યુ કામગીરી, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ કે બચાવ કાર્ય માટે સાધનોની ચકાસણી કરીને ટીમોને હાઈએલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. સુરત અને વડોદરા ફાયર બ્રિેગડમાં પણ એલર્ટ જાહેર કરાયું છે.


