ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત : બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ
સર્જન ડોક્ટરને સાથે રાખવાના નામે નાણા લીધા છતાં હાજર ન રાખ્યાનો પરિવારનો આક્ષેપ; સારવાર દરમિયાન હાલત બગડતાં ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડાયા છતાં બચાવી શકાયા નહીં, એ-ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના આશાપુરા મેઈન રોડ પર આવેલા આરએમસી ચોક નજીકની બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સામે સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે મૃતક મહિલાના પરિવારજનોએ જવાબદાર તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગર્ભાશયની કોથળી (યુટેરાઇન સિસ્ટ)ના ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ એ-ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ડિમ્પલબેન પોબારૂને ગર્ભાશયની કોથળીની તકલીફ હોવાથી બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર કવિતા લાડાણીએ તેમનું ઓપરેશન કર્યું હોવાનું પરિવારનો દાવો છે. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન સર્જન ડોક્ટરની હાજરી જરૂરી હોવાનું કહી તેમની પાસેથી વધારાના નાણા લેવામાં આવ્યા હતા. જોકે, ઓપરેશન વખતે સર્જન ડોક્ટરને સાથે રાખવામાં આવ્યા નહોતા, જેના કારણે સારવાર દરમિયાન ગંભીર બેદરકારી સર્જાઈ હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ ઓપરેશન દરમિયાન જ ડિમ્પલબેનની તબિયત અચાનક લથડી ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતા તેમને તાત્કાલિક ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સતત લગભગ 12 કલાક સુધી સારવાર આપવામાં આવી હતી, પરંતુ અંતે તેમનું મોત નીપજ્યું હતું.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જો શરૂઆતથી જ યોગ્ય સારવાર અને જરૂરી નિષ્ણાત ડોક્ટરની હાજરીમાં ઓપરેશન કરવામાં આવ્યું હોત તો ડિમ્પલબેનનો જીવ બચી શક્યો હોત. હોસ્પિટલ અને જવાબદાર તબીબની બેદરકારીના કારણે જ આ દુઃખદ ઘટના બની હોવાનું તેઓએ જણાવ્યું છે.
આ બનાવને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર તબીબો અને હોસ્પિટલ સંચાલન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રાજકોટ એ-ડિવિઝન પોલીસને લેખિત ફરિયાદ સોંપી છે.
પોલીસ દ્વારા ફરિયાદના આધારે પ્રાથમિક વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તપાસ બાદ હકીકતો સામે આવશે કે પરિવારજનોએ કરેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થશે. હાલમાં આ ઘટનાએ શહેરના આરોગ્ય ક્ષેત્રમાં ચર્ચા જગાવી છે.


