રાજકોટના શિવરામસિંહ ચુડાસમાએ સર્જ્યો ગોલ્ડન હેટ્રિકનો ઇતિહાસ
નેપાળ ખાતે યોજાયેલા 13મા EMF ACE Awardsમાં ચાર વર્ષમાં ત્રીજી વખત ‘બેસ્ટ એન્કર ઓફ ધ યર (મેલ)’ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જાણીતા એન્કર શિવરામસિંહ ચુડાસમાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું ગૌરવ વધારતા નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલા 13માં EMF ACE Awards 2026માં ‘બેસ્ટ એન્કર ઓફ ધ યર – મેલ’ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેમણે છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતી અનોખી ગોલ્ડન હેટ્રિક નોંધાવી છે.
અભિનેત્રી કુબ્રા સૈત અને ગાયિકા શિબાની કશ્યપના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહમાં ઉદયપુરના હિઝ હાઈનેસ લક્ષ્યારાજસિંહજી મેવાડ, અભિનેત્રી શિલ્પા શેટ્ટી, મનીષા કોઇરાલા, વિક્રાંત મેસી, શક્તિ કપૂર, સંગીતકાર આનંદ રાજ આનંદ સહિત અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
વિશેષ વાત એ રહી કે શિવરામસિંહ ચુડાસમા માત્ર એવોર્ડ વિજેતા જ નહીં, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહના મુખ્ય સંચાલક પણ રહ્યા હતા. તેમની અસરકારક એન્કરિંગ, શાહરુખ ખાનની મિમિક્રી, ફૈઝ અહમદ ફૈઝની શાયરી, સંગીતમય રજૂઆતો અને જીવંત સંવાદશૈલીએ ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ ગોલ્ડ એવોર્ડ તેમને EO Gujaratના 15માં સ્થાપના વર્ષ નિમિત્તે યોજાયેલા Royal Confluence કાર્યક્રમમાં કરેલા ઉત્કૃષ્ટ સંચાલન બદલ મળ્યો છે. આ કાર્યક્રમમાં તેમણે શેર-શાયરી, ઊંડા સંશોધન આધારિત મહેમાનોના પરિચય અને અર્થસભર પ્રશ્નોત્તરી દ્વારા કાર્યક્રમને નવી ઊંચાઈ આપી હતી.
કાર્યક્રમની સૌથી યાદગાર ક્ષણ ત્યારે સર્જાઈ હતી જ્યારે શિવરામસિંહ ચુડાસમાએ મહારાણા પ્રતાપ પર આધારિત ગુજરાતી રેપ રજૂ કરીને તેને ગુજરાત તરફથી સિસોદિયા વંશને અર્પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ સિસોદિયા વંશને ગુજરાતની એક નાનકડી ભેટ છે એવો વંશ જેણે છેલ્લા 1500 વર્ષથી ભારતની સરહદોનું રક્ષણ કર્યું છે અને દેશને મહારાણા પ્રતાપ જેવા અદ્વિતીય યોદ્ધા આપ્યા છે.” તેમની આ રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવો અને પ્રતિનિધિઓએ ઉભા રહી તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન શિવરામસિંહ ચુડાસમાને મળેલું આ બીજું મોટું સન્માન છે. આ પહેલાં તેઓ પ્રતિષ્ઠિત WOW Award થી પણ નવાજાઈ ચૂક્યા છે. તેમની આ સિદ્ધિએ રાજકોટ અને સમગ્ર ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વધુ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.


