નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ
૧૮૨૫ બોક્સ, ૨૨૦ ડબ્બા, ૨33 બેરલ સહિત રૂ.૧.૬૭ કરોડનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલી જી.આઈ.ડી.સી.ની યોગેશ્વર એસ્ટેટમાં રેન્જ આઈ.જી.ની ટીમ દ્વારા દરોડો પાડી રૂ.1 કરોડ 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફેક્ટરીના સંચાલક સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કંપનીમાંથી દર મહિને આશરે 30 હજાર કિલો જેટલું નકલી ઘી બનાવી વિવિધ વેપારીઓને સપ્લાય કરવામાં આવતું હતું, જેના પર પોતપોતાની બ્રાન્ડના લેબલ લગાવી બજારમાં વેચતા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર રેન્જ આઈ.જી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલી જી.આઈ.ડી.સી. ની પાછળ યોગેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડી-49 અને ડી-36 નંબરના ગોડાઉનમાં હેપ્પી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં બનાવટી ઘી બનાવવાનું કામકાજ ચાલે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે. તેવી બાતમી મળતાં પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડતાં અહીંથી શંકાસ્પદ ઘીના પીપળા ભરેલા મળી આવ્યા હતા.
પોલીસને શંકાસ્પદ ઘી અને પ્રવાહી વગેરે મળી આવતાં તેની તપાસ અર્થે તુરંત જ સિનિયર ફૂડ સેફ્ટી ઓફ્સિર અને સાયન્ટિફ્કિ ઓફ્સિર (ગાંધીનગર)ને જાણ કરીને સ્થળ ઉપર તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા તથા આ તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પોલીસને ગોડાઉનમાંથી 1,825 કાર્ડબોર્ડ બોક્સ (કિંમત રૂ.39,96,750) પ્રવાહી ઈન્ટરએસ્ટરિફઈડ વેજિટેબલ ફેટ, 15 કે.જી. લખેલા 220 જેટલા પતરાના પીળા કલરના પ્રવાહી ભરેલા ડબ્બા (કિંમત રૂ.7,68,900), 200 લીટરના 233 બેરલ (કિંમત રૂ.78,75,400) તથા પીળા કલરના બંધ વેસલમાં આવેલું પીળા કલર જેવું ચીકણું પ્રવાહી (કિંમત રૂ.40,96,640) મળી કુલ રૂ.1,67,37,690નો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને ગોડાઉનના સંચાલક જનકકુમાર નાથાલાલ લીલાચંદ ભાવસાર (રહે. જય અદિતિ રો-હાઉસ, ચાંદલોડિયા, અમદાવાદ) સામે જરૂરી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


