ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી, રાજકોટને રાહ જોવી પડશે
તા.૮ અને ૯મીએ ભૂક્કા બોલાવશે, યલો એલર્ટ જાહેર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી 8 અને 9 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
7 ઓગસ્ટે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત્ રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ શકે છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 480.9 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 416 mm કરતાં 16% વધુ છે. હાલમાં એક્ટિવ સિસ્ટમ્સના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામશે.
સિઝનમાં 7 ઓગસ્ટ, 2026 (સવારે 10 વાગ્યા) સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ 25.08 ઇંચ (70.10%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન વાઈસ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 58.81 ઇંચ (96.87%) અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 21.62 ઇંચ (67.05%) વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 16.38 ઇંચ (54.58%), ઉત્તર ગુજરાતમાં 14.78 ઇંચ (51.39%) અને કચ્છમાં 5.72 ઇંચ (29.05%) વરસાદ નોંધાયો છે.
સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં મોટો જળજથ્થો જમા થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 81.01% (2,70,622 mcft) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને તેમાં 33,400 ક્યુસેક પાણીની આવક સક્રિય છે. રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના 63.83% (3,56,096 mcft) પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલમાં રાજ્યના 26 ડેમ 100% ભરાઈને સંપૂર્ણ ઓવરફ્લો થયા છે, જ્યારે પાણીની વધતી આવકને કારણે 37 ડેમ ‘હાઈ એલર્ટ’, 07 ડેમ ‘એલર્ટ’ અને 11 ડેમ ‘વોર્નિંગ’ સિગ્નલ હેઠળ મૂકવામાં આવ્યા છે.


