રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ
લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલા મેરા યુવા ભારતના આયોજનમાં વિજેતાઓને કરાયા સન્માનિત; પ્રથમ આવનાર રાજ્ય કક્ષાએ રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત ‘મેરા યુવા ભારત, રાજકોટ’ અને ‘લાભુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી’ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા અને તેમની સર્જનાત્મકતાને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાના હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડાન્સ, સંગીત, ડિબેટ, સ્લેમ પોએટ્રી, નુક્કડ નાટક, રીલ મેકિંગ-શોર્ટ ફિલ્મ, સ્લોગન રાઇટિંગ અને પેઇન્ટિંગ એમ કુલ આઠ વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સમગ્ર રાજકોટ જિલ્લાના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલા દ્વારા નશામુક્ત અને સ્વસ્થ સમાજનો સંદેશ રજૂ કર્યો હતો.
મહાનુભાવોના પ્રેરણાદાયી સંબોધનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ નિમાવતે યુવાનોને વ્યસનમુક્ત રહી દેશના ભવિષ્ય નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભરત રામાણીએ યુવાનોને માત્ર સ્પર્ધક ન બની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા ‘Change Maker’ બનવા અને જીવનમાં ધીરજ (Perseverance) અપનાવવા પ્રેરણા આપી હતી. જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભટ્ટરે જણાવ્યુ હતું કે દરેક સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવનાર વિજેતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે ‘મેરા યુવા ભારત’ પોર્ટલ સાથે જોડાઈને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે તમામ વિજેતાઓ અને શ્રેષ્ઠ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ ભરત રામાણી, એકાઉન્ટ એન્ડ પ્રોગ્રામ ઓફિસર મનજીત શર્મા, રાજેશ કે. રાઠોડ, સ્વયંસેવક યશ રાઠોડ, ધાર્મિક, વિજય બારોટ તથા સમગ્ર ટીમે જહમત ઉઠાવી હતી.


