સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સરકારનો એકશન પ્લાન : સ્પેશ્યલ સેફ ઝોનની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા તેમજ માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી સ્થિત ‘આંબરડી સફારી પાર્ક’ ખાતે 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્ર ઊભું કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં સિંહોને તેમના કુદરતી રહેઠાણ જેવા જ અનુકૂળ વાતાવરણમાં રાખવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ કડીરૂપે 10 ઓગસ્ટ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી પૂર્વે આ પગલું લેવામાં આવ્યું છે. અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ડૉ. જયપાલ સિંઘના જણાવ્યા અનુસાર, આંબરડી સફારી પાર્કમાં ખાસ ફેન્સિંગ કરીને સિંહો માટે સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે અને તેના પર ઝડપથી કામગીરી ચાલી રહી છે.
વન વિભાગ દ્વારા વન્યજીવો અને મનુષ્યો વચ્ચેનો સંઘર્ષ અટકાવવા, જૈવિક સંતુલન જાળવવા તેમજ બીમાર કે ઘાયલ પ્રાણીઓની સારવાર માટે સમયાંતરે વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર કરવામાં આવે છે. માનવવસતી વાળા વિસ્તારો કે ખેતરોમાં ભટકી જતા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને સુરક્ષિત પકડીને યોગ્ય અભયારણ્યમાં ખસેડવામાં આવે છે, જેથી સ્થાનિક નાગરિકોની સુરક્ષા પણ જળવાય અને પ્રાણીઓનું સંરક્ષણ પણ થઈ શકે.
સફારી પાર્ક પ્રવાસીઓમાં માનીતું
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં શરૂ થયેલું અને 365 હેક્ટરમાં વિસ્તરેલું આંબરડી સફારી પાર્ક ઇકો-ટૂરિઝમનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ગીરના આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલું આ પાર્ક એશિયાટિક સિંહ, દીપડા, ચિતલ, નીલગાય અને વિવિધ પક્ષીઓનું કુદરતી ધામ છે. હવે અહીં 100 હેક્ટરમાં ખાસ સીમિત ક્ષેત્ર બનવાથી સિંહોના સંરક્ષણની સાથે સાથે સ્થાનિક ટૂરિઝમ અને વન્યજીવ સંશોધનને પણ નવો વેગ મળશે.


