થેલેસેમીયાગ્રસ્ત અને સરકારી હોસ્પિટલ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો
સિવિલમાં દવા લીધા બાદ થેલેસેમીયા મેજરોના સ્વાસ્થ્યને અસર
જરૂરી ઈન્જેકશન, દવા, લોહી પૂરતા પ્રમાણમાં હોવાના સિવિલના દાવાને પાયાવિહોણા ગણાવતા થેલેસેમીયા દર્દીઓ: વાસ્તવીક સ્થિતીની તપાસ બાદ જ તંત્ર નિવેદન આપે તેવી ટકોર
અગ્ર ગુજરાત, રાજકોટ
સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સારવાર અને દવાની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા પોકળ દાવાઓ સામે પીડિત બાળકો અને તેમના પરિવારોએ મોરચો માંડ્યો છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિવેદનોને દર્દીઓ અને વાલીઓએ સરેઆમ પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવી આકરો વિરોધ નોંધાવ્યો છે. જવાબદાર અધિકારી ડોડિયા સાહેબ કોઈ પણ જાતની હકીકત તપાસ્યા વગર બેજવાબદાર નિવેદનો આપી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂકતા વાલીઓએ માગ કરી છે કે, “ડોડિયા સાહેબ પહેલા હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિની તપાસ કરે અને ત્યારબાદ જ નિવેદનો આપે!”
સિવિલ તંત્રની ઘોર બેદરકારી અને દવાની ભયાનક અછતને કારણે હાલ ૫૫૦થી પણ વધુ થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જે સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ આશા સાથે આવે છે, ત્યાં તંત્રની નાકામીને લીધે માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાયા છે.
દર્દીઓના પરિવારોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે હાલમાં સિવિલ હોસ્પિટલમાંથી પૂરી પાડવામાં આવતી ‘દીપ ફાર્મા’ કંપનીની દવાઓ અત્યંત નબળી ગુણવત્તાની છે. આ દવાઓ લીધા બાદ નાના માસૂમ બાળકોને: સતત ઊલટીઓ થવી અસહ્ય એસિડિટી અને પેટમાં બળતરા થવી જેવી ગંભીર આડઅસરો (Side Effects) થઈ રહી છે. માસૂમ બાળકો દરરોજ આ યાતના ભોગવી રહ્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
જો સિવિલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે થેલેસેમિયા પીડિત બાળકોને સાચી, યોગ્ય અને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં પીડિત પરિવારો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.
દર મહિને રૂ. ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦નો આર્થિક બોજ
હોસ્પિટલમાં યોગ્ય દવાઓ ન મળતા અને આપાતી દવાની આડઅસરોથી બચવા માટે મજબૂર વાલીઓએ બહારના મેડિકલ સ્ટોર્સમાંથી મોંઘા ભાવની દવાઓ ખરીદવી પડી રહી છે. થેલેસેમિયા પીડિત બાળકો માટે અત્યંત જરૂરી એવી ‘કેલ્ફર’ (Kelfer) તથા ‘ડેસફેરાલ’ (Desferal) ઇન્જેક્શન સિવિલમાં ઉપલબ્ધ ન હોવાથી, બહારથી ખરીદવા પાછળ દર મહિને રૂ. ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦નો તતિંગ ખર્ચ થઈ રહ્યો છે. સામાન્ય પરિવારો માટે દર મહિને આટલી મોટી રકમનો ખર્ચ કરવો અશક્ય બની ગયો છે. સરકારી હોસ્પિટલ હોવા છતાં જો વાલીઓએ ખાનગી ધોરણે આટલો મોટો આર્થિક બોજ ઉપાડવો પડતો હોય, તો આ તંત્ર કયા કામનું?
તંત્ર સામે આકરા પ્રહારો અને માગણીઓ
તબીબી વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. થેલેસેમિયા પીડિતો અને તેમના પરિવારજનોની સ્પષ્ટ અને આક્રમક માગણીઓ છે કે:
- ગુણવત્તાયુક્ત દવાનો પુરવઠો: બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી નબળી કંપનીઓની દવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે.
- જરૂરી ઇન્જેક્શનની ઉપલબ્ધતા: થેલેસેમિયા બાળકો માટે અતિ ઉપયોગી ‘કેલ્ફર’ અને ‘ડેસફેરાલ’ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી જ વિનામૂલ્યે અને પૂરતા જથ્થામાં પૂરા પાડવામાં આવે.
- જવાબદારો સામે કાર્યવાહી: સમગ્ર મામલે તપાસ કરી નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવાય.


