ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન
અગ્ર ગુજરાત, રાજકોટ
વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી દેશભરમાં તા. 09 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રા રાષ્ટ્ર માટે સૌ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે તેવી અદમ્ય ચેતના જગાવતી યાત્રા બની રહી છે. રાજકોટમાં પણ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૧૩/0૮/૨૬ ને ગુરુવારે તિરંગા યાત્રા યોજાવાની છે ત્યારે સરગમ પરિવારના હજારો સભ્યોને તેમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે ચકે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને જ્યારે આપણે હાથમાં તિરંગો અને હ્રદયમાં ભારત ભક્તિ લઈને આ યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વિચાર સાકાર થાય છે.
રાજકોટમાં આ યાત્રા ૧૩/૮/૨૬ ને ગુરુવારે સવારે ૯/૦૦ વાગ્યે બહુમાળી ભવન ચોકથી શરુ થવાની છે ત્યારે તેમાં સરગમ કલબ, લેડીઝ કલબ, કપલ કલબ, સીનીયર સિટીઝન કલબ અને ઇવનિંગ પોસ્ટના તમામ સભ્યો ઉત્સાહભેર જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મંત્રી મૌલેશભાઈ ઉકાણી, લેડીઝ કલબના ચેરપર્સન ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હીરાણી, અલકાબેન ધામેલિયા વગેરેએ મોટી સંખ્યામાં સરગમ પરિવારને આ યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે.


