જેતપુરમાં શ્રાવણ માસ નિમિત્તે માસ-મટનની લારીઓ અને દુકાનો બંધ રાખવા માંગ
હિન્દુ સેના દ્વારા મામલતદાર-પાલિકામાં રજૂઆત
અગ્ર ગુજરાત, જેતપુર
આગામી તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬થી હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર ગણાતો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ મહાદેવની ભક્તિમાં લીન હોય છે અને ઠેર-ઠેર ધાર્મિક આયોજનો થતા હોય છે. ત્યારે આ પવિત્ર માસની પવિત્રતા જળવાઈ રહે તે માટે જેતપુર હિન્દુ સેના દ્વારા જેતપુર શહેરના મામલતદાર અને નગરપાલિકાને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
હિન્દુ સેના દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે.જેતપુર શહેરમાં શેરી ગલીએ અને રહેણાંક વિસ્તારમાં સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં માસ-મટનની લારીઓ અને દુકાનો બેરોકટોક ધમધમી રહી છે. આ પૈકીની ઘણી લારીઓ અને દુકાનો પરવાનગી વગર પણ ચાલી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં હિન્દુ સેનાના પ્રમુખ રાક્ષિતભાઈ ખચરિયાના નેતૃત્વમાં આપવામાં આવેલા આ આવેદનમાં જણાવાયું છે કે, શ્રાવણ માસ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય હોય છે. આવા સમયે જાહેરમાં માસ-મટનનું વેચાણ થતું હોવાથી સનાતની હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
જેતપુર હિન્દુ સેનાએ તંત્ર પાસે કડક માંગ કરી છે કે, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં ચાલતી માસ-મટનની લારીઓ અને દુકાનોને તાત્કાલિક અસરથી બંધ રાખવા માટેના આદેશ કરવામાં આવે. આ અંગે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી માગ કરવામાં આવી હતી.


