UGC ના વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના લાલઘૂમ: રાજકોટ કલેક્ટરને આવેદન
સમગ્ર ગુજરાતમાં આંદોલનનું અલ્ટીમેટમ : “ભાવિ પેઢીમાં જ્ઞાતિવાદ અને ભેદભાવ વાવતા નિયમો સાંખી લેવાશે નહીં, તુરંત ‘રોલ બેક’ કરો” કરવા માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલા વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ ભારે આક્રોશ સાથે વિરોધનો શંખનાદ કર્યો છે. આ પરિપત્રના વિરોધમાં કરણી સેનાના અગ્રણીઓએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને UGC ના આ નિર્ણય સામે ભારે આક્રમકતા દર્શાવી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં, પરંતુ બ્રહ્મ સમાજના આગેવાનો પણ કરણી સેનાના સમર્થનમાં જોડાયા હતા અને એકસૂરે વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે, “UGC નો આ વિવાદિત પરિપત્ર આપણી ભાવિ પેઢીમાં જ્ઞાતિવાદ અને ભેદભાવના ઝેર વાવવાનું કામ કરી રહ્યો છે. સમાજને વિભાજિત કરતા આવા કોઈ પણ કાયદા કે નિયમોને સાંખી લેવામાં આવશે નહીં.”
કરણી સેનાએ સ્પષ્ટ ચિંતન સાથે ચીમકી આપી છે કે જો UGC દ્વારા આ વિવાદિત પરિપત્ર તુરંત પાછો ખેંચવામાં (‘રોલ બેક’) નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતભરમાં ઉગ્રથી અતિ-ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. કલેક્ટર મારફતે સરકાર અને સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવેલા આ આવેદનપત્રથી શાસન વ્યવસ્થામાં પણ દોડધામ મચી ગઈ છે.


