રાજકોટ મનપા દ્વારા ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.૭માં મચ્છરજન્ય રોગ નિયંત્રણની સઘન કામગીરી
આરોગ્ય શાખાની ૧૪૦ ટીમ દ્વારા ૧૦ હજારથી વધુ ઘરોમાં ચેકિંગ: ૪૫૭ ઘરોમાંથી મચ્છરના પોરાનો નાશ કરાયો, ૧૮૧ આસામીઓને નોટિસ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ અર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. ૭માં સઘન વાહક નિયંત્રણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓ, ફિલ્ડવર્કર, MPHW અને અર્બન ASHA સહિતની ૧૪૦ ટીમો દ્વારા વોર્ડ નં. ૭માં ઘરે-ઘરે જઈને ૧૦,૦૬૨ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી અને કુલ ૪૫,૩૨૬ પાણીના પાત્રો ચકાસવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ૪૫૭ ઘરોમાં મચ્છરના પોરા (લાર્વા) મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧,૧૮૫ બિનરહેણાંક એકમોની તપાસ કરી મચ્છરના ઉપદ્રવ સબબ ૧૮૧ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ ફિવર સર્વે દરમિયાન ૪૭ વ્યક્તિઓના લોહીના નમૂના લેવાયા હતા.
ઝુંબેશ હેઠળ કરાયેલી મુખ્ય કામગીરીઓમાં રહેણાંક વિસ્તાર તથા શાળાઓ, હોસ્પિટલો, બાંધકામ સાઇટો અને સેલર જેવા કોમર્શિયલ સ્થળોએ મચ્છર ઉત્પત્તિ અંગે તપાસ કરવામાં આવી હતી. પાણી ભરાયેલા ખાડા-ખાબોચિયામાં મોસ્ક્યુટો લાર્વીસિડિલ ઓઇલ (MLO) અને દવાનો છંટકાવ કરાયો હતો. તેમજ સ્થાનિકોને પાણીના પાત્રો ઢાંકીને રાખવા અને ચોખ્ખાઈ જાળવવા અંગે આરોગ્ય શિક્ષણ તેમજ માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ દરમિયાન સ્થાનિક કોર્પોરેટર દર્શનભાઈ હરેશભાઈ પેંગ્યાતર અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, મચ્છરના કરડવાથી બચવા મચ્છરદાની કે રિપેલન્ટનો ઉપયોગ કરવો અને અગાસી કે આસપાસમાં ભંગાર અથવા ખુલ્લા પાત્રોમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવી. જો તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે લોહીની તપાસ કરાવવા અનુરોધ કરાયો છે.


