કુવાડવા ચોકડી પાસે ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સ ઝડપાયો
રાજકોટમાં મહંમદને જથ્થો સોંપે તે પહેલાં SOGનો સપાટો : 4.95 લાખના 9.900 કિલો ગાંજા સાથે 5 લાખનો મુદ્દામાલ કબજે, બિહારથી ચોથી વખત ખેપ લાવ્યાની કબૂલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ વચ્ચે SOGની ટીમે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. શહેરની ભાગોળે આવેલા કુવાડવા ચોકડી નજીક ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે બિહારથી ગાંજાની ખેપ લઈને આવેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 9.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.4.95 લાખ જેટલી થવા પામે છે. ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.5,00,520નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
SOGની આ કાર્યવાહી પાછળ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, DCP ક્રાઇમ જગદીશ બાંગરવા અને ACP ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ કાર્યરત હતી. સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત શહેરમાં ગાંજો સહિતના માદક પદાર્થોની હેરાફેરી કરતા પેડલરો પર નજર રાખવામાં આવી રહી છે.
આ કામગીરી દરમિયાન SOG PI એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ PSI વી.વી.ધ્રાંગુ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ASI ફિરોજભાઇ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે બિહાર તરફથી ગાંજાનો જથ્થો લઈને આવતો પાસવાન નામનો શખ્સ અમદાવાદ હાઇવે તરફથી રાજકોટમાં પ્રવેશ કરી કુવાડવા ચોકડી નજીક પહોંચવાનો છે. બાતમી મળતાં જ પોલીસ ટીમે સમય ગુમાવ્યા વિના કુવાડવા ચોકડી આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી.
થોડા સમય બાદ બાતમીમાં દર્શાવ્યા મુજબનો શખ્સ કુવાડવા ચોકડી નજીક પહોંચ્યો હતો. પોલીસની ટીમે તેની હિલચાલ પર નજર રાખ્યા બાદ તેને કોર્ડન કરી અટકાવ્યો હતો. બાદમાં કાયદેસરની પ્રક્રિયા મુજબ તેની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જથ્થો તપાસતા કુલ 9.900 કિલોગ્રામ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ગાંજાની બજાર કિંમત રૂ.4.95 લાખ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પાસેથી ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ મળી આવતાં પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી કુલ રૂ.5,00,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ આરોપીની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે ઝડપાયેલા શખ્સની ઓળખ ઉપેન્દ્ર બહાદુરરામ પાસવાન (ઉં.વ.35), મૂળ બિહારના ભોજપુરનો રહેવાસી તરીકે કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેના જણાવ્યા મુજબ તે અગાઉ પણ ગાંજાની ખેપ લઈને રાજકોટ આવી ચૂક્યો હતો અને આ વખતે બિહારથી ચોથી વખત ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં વધુમાં એવી વિગતો સામે આવી છે કે ઉપેન્દ્ર પાસવાન આ ગાંજાનો જથ્થો રાજકોટમાં રહેતા મહંમદ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. જોકે જથ્થો રિસીવરને સોંપવામાં આવે તે પહેલાં જ SOGની ટીમે તેને ઝડપી પાડતાં નશાના ગેરકાયદે કારોબારની વધુ એક કડી પોલીસના હાથે લાગી છે. હવે પોલીસનું મુખ્ય ધ્યાન આ સમગ્ર સપ્લાય ચેઇનમાં સામેલ મહંમદ સુધી પહોંચવા પર કેન્દ્રિત થયું છે.
SOG દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બિહારથી રાજકોટ સુધી ગાંજો કેવી રીતે પહોંચાડવામાં આવતો હતો, અગાઉની ત્રણ ખેપ કોને આપવામાં આવી હતી, રાજકોટમાં આ જથ્થો કોના મારફતે વેચવાનો હતો તેમજ આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતના મુદ્દે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
કુવાડવા ચોકડી જેવા શહેરના પ્રવેશમાર્ગ પર જ ગાંજાની ખેપ સાથે આરોપી ઝડપાઈ જતાં નશાના કારોબારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં બહારના રાજ્યમાંથી નશીલા પદાર્થો લાવી સપ્લાય કરવાના પ્રયાસો સામે SOGની ટીમે સતત નજર રાખી હોવાનું આ કાર્યવાહી પરથી સ્પષ્ટ થયું છે. હવે પકડાયેલા આરોપીની પૂછપરછમાંથી ગાંજાના સપ્લાય નેટવર્કની વધુ કડીઓ બહાર આવે તેવી શક્યતા છે.


