યાત્રાધામ વીરપુરમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ૧ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ કરાવ્યું પ્રસ્થાન : વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા; ભારત માતા, ઝાંસીની રાણી અને અહલ્યાબાઈ હોલકરની ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની
અગ્ર ગુજરાત, વીરપુર
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપ્રેમનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સમગ્ર શહેરમાં આશરે એક કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક નાગરિકો અને રાજકીય-સામાજિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
તિરંગા યાત્રાનો પ્રારંભ વીરપુરની શ્રી જલારામજી વિદ્યાલય ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રાની શરૂઆત પૂર્વે રાષ્ટ્રગાન ગાઈને ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
વીરપુરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં શાળાના બાળકોએ ભારત માતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા અહલ્યાબાઈ હોલકરની વેશભૂષા ધારણ કરી નારીશક્તિ અને શૌર્યનો સંદેશ આપ્યો હતો. હાથમાં તિરંગો લઈને નીકળેલા જનમેદનીના ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જય જવાન, જય કિસાન’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વીરપુર ગુંજી ઊઠ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, “૧૪૦ કરોડ દેશવાસીઓની આન, બાાન અને શાન એવા તિરંગાનું ગૌરવ જાળવવું એ આપણી નૈતિક જવાબદારી છે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાયેલી આ યાત્રામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.” મોટી સંખ્યામાં જનભાગીદારી સાથે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વતંત્રતા દિવસ પૂર્વે જ સમગ્ર યાત્રાધામ વીરપુરમાં દેશભક્તિનો માહોલ સર્જી ‘હર ઘર તિરંગા’નો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.


