પિતાએ ઊંઘમાં જ પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
આહીર ચોક નજીક નહેરુનગરમાં ચકચારી બનાવ : પુત્ર પિતાને ચોરી-ચપાટી છોડાવી સુધરવા કહેતો હોવાથી અવારનવાર તકરાર થતી
હત્યા બાદ પિતા જાતે જ પોલીસ સ્ટેશને પહોંચી, મેં પુત્રને પતાવી દીધો છે તેમ પોલીસને કહ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં હત્યાના બનાવોની કડી વચ્ચે આહીર ચોક નજીક નહેરુનગર વિસ્તારમાં બનેલી હચમચાવી નાખે તેવી ઘટનાએ ચકચાર જગાવી છે. સગા પિતાએ પોતાના જ 33 વર્ષના પુત્રના માથામાં હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સૌથી કરુણ બાબત એ છે કે, જે પુત્ર પિતાને ચોરી-ચપાટી છોડીને સીધી લાઈને આવવા સમજાવતો હતો, તે જ પુત્ર પિતાના હાથે મોતને ભેટ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી પિતા પોતે જ પોલીસ મથકે પહોંચી ગયો હતો અને ‘મેં મારા પુત્રને પતાવી દીધો છે’ તેમ જણાવતાં પોલીસ પણ દોડતી થઈ હતી.
ઘટનાની જાણ થતાં ડીસીપી હેતલ પટેલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક નહેરુનગર ખાતે દોડી ગયો હતો. પોલીસે હત્યાના ગુનામાં આરોપી બાબુ રઘા સવસેટાની ધરપકડ કરી હતી અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથોડો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ મૃતક રામ સવસેટાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ મૃતકની માતા હંસાબેન બાબુભાઈ સવસેટા (ઉ.વ.62)એ નોંધાવી છે. ફરિયાદમાં પતિ બાબુ સવસેટા સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હંસાબેન છેલ્લા દોઢેક મહિનાથી મોરબી રોડ જકાતનાકા નજીક સેટેલાઇટ ચોક પાસે સિલ્વર પાર્ક શેરી નં.2માં નાની પુત્રી રાધાબેન સાથે રહેતા હતા. જ્યારે તેમના પતિ બાબુભાઈ અને પુત્ર રામ ન્યુ નહેરુનગર શેરી નં.7, ખાંટ સમાજની વાડી પાછળ રહેતા હતા.
ફરિયાદ મુજબ મૃતક રામ અગાઉ મોબાઇલની દુકાનમાં નોકરી કરતો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી તે કોઈ કામકાજ કરતો ન હતો. બીજી તરફ પિતા બાબુભાઈ પણ લાંબા સમયથી કોઈ નિયમિત ધંધો કે રોજગાર કરતા ન હતા. માતાના આક્ષેપ પ્રમાણે બાબુભાઈ ચોરી-ચપાટી કરતા હોવાથી પુત્ર રામ તેમને વારંવાર આ પ્રવૃત્તિ છોડીને સુધરી જવા સમજાવતો હતો. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા.
પરિવારની પરિસ્થિતિ પણ છેલ્લા કેટલાક સમયથી કથળેલી હતી. હંસાબેનને એક પુત્ર રામ અને ત્રણ પુત્રીઓ છે. બે પુત્રીઓના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે નાની પુત્રી રાધાબેનના પગમાં ઈજા થતાં તેના પગમાં સળીયો મૂકવામાં આવ્યો હતો. સારવાર બાદ દીકરીને પતિ મુકીને ચાલ્યો જતાં તેની દેખભાળ માટે હંસાબેન છેલ્લા કેટલાક સમયથી તેની સાથે રહેતા હતા. તેથી પિતા અને પુત્ર વચ્ચે શું બનતું હતું તેની તેમને સતત ચિંતા રહેતી હતી.
હંસાબેને ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કર્યો છે કે, બાબુભાઈ અગાઉ પણ રામને મારવાની વાતો કરતા હતા. ઘરમાં લોખંડના પાઇપ, કુહાડી અને હથોડા જેવા સાધનો રાખવામાં આવતા હતા. માતા આવા હથિયારો છુપાવી દેતી હતી. તેમ છતાં પિતા-પુત્ર વચ્ચેનો વિવાદ અટક્યો નહોતો. બાબુભાઈ વારંવાર ‘મેં મારા બાપનું પણ માન્યું નથી તો મારા છોકરાનું શું માનું?’ જેવી વાતો કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ ઘટનાના દિવસે પણ પિતા-પુત્ર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ બપોરના સમયે ઝઘડો થયા બાદ રામ પોતાના ઘરે રૂમમાં સૂઈ ગયો હતો. આ દરમિયાન ગુસ્સામાં આવેલા બાબુભાઈએ રામ પર હથોડાથી હુમલો કર્યો હોવાનો પોલીસને પ્રાથમિક તબક્કે ખ્યાલ આવ્યો છે. માથામાં ઉપરાછાપરી ઘા વાગતાં રામ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
હત્યાની ઘટનાને પગલે આરોપી પિતા પોતે જ પોલીસ મથકે પહોંચી ગયો હતો. તેણે પોલીસ સમક્ષ પુત્રની હત્યા કર્યાની કબૂલાત કરતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ત્યારબાદ પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. રૂમમાં લોહીના નિશાન જોવા મળ્યા હતા અને મૃતકના માથામાં ગંભીર ઈજાઓ હોવાનું જણાયું હતું.
દરમિયાન પોલીસની પૂછપરછમાં આરોપીએ મિલકત બાબતે પણ વિવાદ હોવાની વાત કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બાબુભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, પુત્ર રામ કોઈ કામધંધો કરતો ન હતો અને મોજશોખ માટે પરિવારની મિલકતમાંથી ત્રણ દુકાનો તથા એક મકાન વેચી નાખ્યા હતા. આ મુદ્દે પણ બંને વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. આર્થિક બાબતો અને પુત્ર દ્વારા પિતાને સુધરવા માટે કરવામાં આવતી ટકોર વચ્ચે વિવાદ વધુ વકર્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.
રામની હત્યાના સમાચાર મળતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રામની માતા અને ત્રણ બહેનો માટે આ ઘટના આઘાતજનક બની હતી. ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. ખાસ કરીને રામનો જન્મદિવસ નજીક હોવા છતાં પરિવારને તેની ઉજવણીના બદલે અંતિમ વિદાય આપવાનો કરુણ વારો આવ્યો હતો.
ભક્તિનગર પોલીસે આરોપી બાબુ સવસેટાની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ હથોડો કબજે કર્યો છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી ઈજાઓ તથા મોતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે પિતા-પુત્ર વચ્ચેના અગાઉના ઝઘડા, મિલકતના વ્યવહારો, હત્યા પાછળના ચોક્કસ કારણો તેમજ બનાવ સમયે હાજર કે જાણકાર લોકોના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાની કડી જોડવા તપાસ આગળ ધપાવી રહી છે.


