રાજકોટની ધ્વનિએ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી પ્રથમ નેશનલ સ્પર્ધામાં દમદાર દેખાવ કરી દેશની નંબર-૧ ખેલાડી બની રાજકોટનું નામ રોશન કર્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની દિવ્યાંગ દીકરી અને પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી ધ્વનિ શાહે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેના સમર્પણના બળે ઇન્દોર ખાતે યોજાયેલી યુટીટી પહેલી પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમતનું શાનદાર પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. ગોલ્ડ મેડલ સાથે ધ્વનિ દેશની નંબર 1 ખેલાડી બની.
ઇન્દોર ખાતે તા. 12 અને 13 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ હતી. પહેલી જ વખત પેરા રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાઈ હોવાથી ટુર્નામેન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજકોટની ધ્વનિ શાહે વુમન સિંગલ્સ ક્લાસ-7 કેટેગરીમાં ભાગ લીધો હતો. ધ્વનિની ક્લાસ – 7 કેટેગરીમાં કુલ 10 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આત્મવિશ્વાસ સાથે ધ્વનિએ ટુર્નામેન્ટમાં શરૂઆત કરી ઓરિસ્સા, દિલ્હી અને તમિલનાડુની ખેલાડીને પરાજિત કરી ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.
ફાઈનલ મુકાબલામાં ગુજરાતના ભાવનગરની સોનલ ડાબી ટકરાઈ હતી. રોમાંચક બનેલી ફાઇનલ મેચમાં ધ્વનિએ સતત શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને 14-12, 11-6 અને 13-11ના સ્કોર સાથે ગુજરાતની જ ખેલાડીને પરાજિત કરી મુકાબલો પોતાના પક્ષે કર્યો અને 3-1થી વિજય મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
ધ્વનિ શાહની આ સિદ્ધિ માત્ર એક મેડલ જીતવા પૂરતી નથી, પરંતુ તે તેની મહેનત, લગન, સંઘર્ષ અને આત્મવિશ્વાસનું પરિણામ છે. દિવ્યાંગતા કોઈ પણ રીતે સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી, તે ધ્વનિએ પોતાની સિદ્ધિ દ્વારા સાબિત કરી બતાવ્યું છે. પોતાની મહેનત અને રમત પ્રત્યેના સતત સમર્પણથી ધ્વનિએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ધ્વનિની આ સફળતા રાજકોટ શહેર તેમજ સમગ્ર ગુજરાતના રમતપ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. તેની આ સિદ્ધિ અન્ય દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. પરિવાર, કોચ અને શુભેચ્છકોના પ્રોત્સાહન સાથે અગાઉ પણ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ મેડલ મેળવનાર ધ્વનિ ભવિષ્યમાં પણ વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.


