BAPS સ્વામિનારાયણ મંદિરે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી
નારાયણચરણ સ્વામી અને અપૂર્વમુનિ સ્વામીના હસ્તે ધ્વજવંદન; ઠાકોરજી સમક્ષ દેશની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને પણ ત્રિરંગાના રંગો ધરાવતા વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા.
સવારે ૭:૩૦ વાગ્યે શણગાર આરતી બાદ મંદિર પરિસરમાં પૂજ્ય નારાયણચરણ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ એકસૂરે રાષ્ટ્રગાન અને વંદે માતરમ્નું ગાન કર્યું હતું.
અપૂર્વમુનિ સ્વામીએ ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પુરુષાર્થને યાદ કરતાં જણાવ્યું કે, પૂર્વજોના બલિદાન અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના સંસ્કૃતિ રક્ષણના કાર્યોને યાદ રાખી આપણી અંદર રાષ્ટ્રભાવના વધુ દ્રઢ બનાવવી જોઈએ. અમદાવાદ ખાતે બિરાજમાન સંસ્થાના વર્તમાન ગુરુદેવ પ.પૂ. મહંતસ્વામી મહારાજે ૯૩ વર્ષની વયે રાષ્ટ્રગાન કરી તિરંગાને ગૌરવપૂર્ણ સલામી આપી હતી અને પ્રાતઃ પૂજામાં ભારત દેશની શાંતિ, સમૃદ્ધિ તેમજ વિકાસ માટે પ્રાર્થના કરી હતી.


