અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
સરગમ ક્લબના ખજાનચી સ્મિત પટેલના હસ્તે ધ્વજવંદન; દેશભક્તિ નૃત્ય, વક્તવ્ય અને આઝાદી રેલીનું આયોજન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સરગમ ક્લબ સંચાલિત ‘અનિલ જ્ઞાન મંદિર’ અને ‘શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ’ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ખજાનચી સ્મિત પટેલ, તેજસ ભટ્ટી, ટ્રસ્ટી ભરત સોલંકી, ટ્રસ્ટી આનંદ તથા આચાર્યા છાયાબેન દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સરગમ ક્લબના ખજાનચી સ્મિત પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ગરિમાપૂર્ણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ પ્રાસંગિક ઉદ્બોધન આપી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનોહર દેશભક્તિ નૃત્ય અને પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉત્સાહભેર ‘આઝાદી રેલી’નું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન શીતલબેન ડાંગરે અને આભારવિધિ સંદીપભાઇએ કરી હતી. ધો.૧૧ના વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમની સફળતા બદલ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને આચાર્યાશ્રી છાયાબેન દવે દ્વારા સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


