રાજકોટ મનપાની ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ: વોર્ડ નં.૧૦માં આરોગ્ય શાખાનું સઘન ચેકિંગ; ૧૮,૫૦૧ ઘરોની મુલાકાત
૬૦૭ ઘરોમાં મચ્છરોના પોરાનો નાશ કરાયો, ૭૮ આસામીઓને નોટિસ અને ૩૯ દર્દીઓના લોહીના નમૂના લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૪/૦૮/૨૦૨૬ થી “વન-ડે-વન-વોર્ડ” ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અન્વયે તા. ૧૪/૦૮/૨૦૨૬ ના રોજ વોર્ડ નં. ૧૦ માં આરોગ્ય શાખાની ૧૫૩ ટીમો દ્વારા વાહક નિયંત્રણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વોર્ડ નં. ૧૦ માં કુલ ૧૮,૫૦૧ ઘરોની મુલાકાત લઈ ૭૯,૪૩૭ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી ૬૦૭ ઘરોમાં મચ્છરોના પોરા જોવા મળતા તેનો તુરંત નાશ કરવામાં આવ્યો. ૧૪૧ બિનરહેણાંક એકમો (શાળાઓ, હોસ્પિટલો, બાંધકામ સાઈટ, સેલર, હોટેલ વગેરે) ની તપાસ કરી, મચ્છર ઉત્તપત્તિ સબબ ૭૮ આસામીઓને દંડકીય/વહીવટી નોટિસ આપવામાં આવી છે. તાવના દર્દીઓની તપાસ કરી ૩૯ વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. નાના-મોટા ખાબોચિયાઓમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા મોસ્કિટો લાર્વિસિડલ ઓઈલ (MLO) અને દવાનો છંટકાવ કરાયો છે.
આ ઝુંબેશ દરમિયાન વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટર નીતાબેન લાલ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને મચ્છર ઉત્પત્તિ અટકાયતી કામગીરીમાં તંત્રને પૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી.


