ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પુત્રની પરિણીત પ્રેમિકા અને તેના પતિ સહિતના શખ્સો સામે મેટોડા પોલીસમાં મરવા મજબૂર કર્યાની ફરિયાદ; સ્યુસાઇડ નોટમાં રૂ.25 લાખ સુધીની લેવડદેવડનો ઉલ્લેખ
અગ્ર ગુજરાત, રાજકોટ
મેટોડા જીઆઈડીસીના આશુતોષ પાર્ક વિસ્તારમાં પુત્રની પરિણીત પ્રેમિકા સહિતના લોકો દ્વારા થતી કથિત ધાકધમકી અને માનસિક ત્રાસથી કંટાળીને વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. બનાવ બાદ મૃતકના પુત્રની ફરિયાદના આધારે મેટોડા પોલીસે મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં મૃતક મહિલાએ પોતાને અને પુત્રને લાંબા સમયથી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
મૂળ પાટણવાવના વતની અને હાલ મેટોડા જીઆઈડીસીના આશુતોષ પાર્કમાં રહેતા 33 વર્ષીય મયુરકુમાર રસીકભાઈ મારૂએ નોંધાવેલી ફરિયાદમાં નિરૂબા ઉર્ફે નિકુ સંજય વાજા, સંજય વાજા, હેતલબેન શાકવાળા, ઉકા ઉનેવાલ, જશુબેન ઉનેવાલ, સુધાબેન અને સંજય કોળીના નામ આપ્યા છે.
ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ પહેલાં મયુર અને નિકુ વચ્ચે પરિચય બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. નિકુને જુગાર રમવાની ટેવ હોવાથી તે અવારનવાર મયુર પાસેથી નાણાં માંગતી હતી અને યુવક દ્વારા ચાર વર્ષ દરમિયાન દર મહિને રૂ.20થી 25 હજાર સુધીની રકમ આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત મયુરે નિકુના કહેવાથી લાખો રૂપિયાના દાગીના પણ કરાવી આપ્યા હતા. દરમિયાન નિકુ અને તેના પતિએ મેટોડાની શ્રીનાથ રેસિડેન્સીમાં મકાન લેવાનું હોવાથી મયુર પાસેથી સોસાયટીના વહીવટના નાણાંમાંથી રૂ.3.50 લાખ લીધા હોવાની ફરિયાદમાં વાત છે. આ રકમના કારણે પોતે સોસાયટીને વ્યાજ ચૂકવતો હોવાનું પણ યુવકે જણાવ્યું છે. બાદમાં નાણાં આપવાનું બંધ કરતાં નિકુ અને તેના પતિ દ્વારા પૈસા, દાગીના, મકાનના દસ્તાવેજો અને કાર સોંપવા દબાણ કરાતું અને પોલીસ ફરિયાદોમાં ફસાવી દેવાની ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ થયો છે.
પાડોશી સાથેના વારંવારના ઝઘડા અને આરોપીઓ સાથેના વિવાદને લઈને પણ પરિવાર માનસિક તણાવમાં હતો. ફરિયાદ મુજબ, આરોપીઓ દ્વારા ગાળો તથા ધાકધમકી આપવામાં આવતી હોવાથી રસીલાબેન છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતાં.
14મી તારીખે મયુર નોકરી પર ગયો હતો અને સાંજે ઘરે પરત ફર્યા બાદ માતા સાથે વાતચીત કરી હતી. રાત્રે માતા રૂમમાં સૂવા ગયા હતા. બીજા દિવસે સવારે મયુરે જોયું ત્યારે રસીલાબેન પંખા સાથે ચુંદડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જાણ કર્યા બાદ તપાસ દરમિયાન કબાટમાંથી વાળેલો કાગળ મળ્યો, જેમાં સ્યુસાઇડ નોટ હોવાનું સામે આવ્યું. મૃતકની નોટમાં નિકુ અને સંજય દ્વારા પોતાને તથા પુત્રને હેરાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ સાથે છેલ્લા ચાર વર્ષમાં રૂ.20થી 25 હજાર માસિક ચૂકવ્યા હોવાની વાત લખી હતી. નોટમાં નિકુ-સંજયને રૂ.20થી 25 લાખ આપ્યાનો પણ ઉલ્લેખ હતો. વધુમાં, મૃતદેહના પી.એમ. દરમિયાન બ્લાઉઝમાંથી મળેલી બીજી ચિઠ્ઠીમાં રૂ.25થી 30 લાખ આપ્યાનો ઉલ્લેખ કરી આ રકમ પરત ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાની વિનંતી કરવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે મેટોડા પોલીસે ફરિયાદ નોંધી સ્યુસાઇડ નોટ, બેંક વ્યવહારો અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે.


