વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી
બેસણામાં જ ધસી આવેલા બે શખ્સોએ, ભાઈના પૈસા તારે આપવા પડશે નહીંતર બિલ્ડિંગ પરથી ફેંકી દઈશું કહી પિતા-પુત્રને ધમકાવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને ગુજસીટોકના ગુનામાં આરોપી રહી ચૂકેલા મહાવીરસિંહ સિંધવના મોત બાદ તેમના પરિવારને વ્યાજની રકમના નામે ધમકી આપી ઉઘરાણી કરવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મહાવીરસિંહના મોતના થોડા દિવસો બાદ યોજાયેલા બેસણામાં બે શખ્સો પહોંચી ગયા હતા અને પરિવાર પાસે રૂ.1.35 કરોડની ઉઘરાણી કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં, પૈસા નહીં આપો તો મહાવીરસિંહની જેમ જ પોલીસમેન ભાઈ અને તેના પિતાને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે.
આ અંગે રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા 31 વર્ષીય કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવે પ્ર.નગર પોલીસ મથકમાં ચોકડી ગામના રાજા હરજી રાતડિયા અને સુરેન્દ્રનગરના રમેશ ઉર્ફે ચોટી કુંમરા વરૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કિરપાલસિંહના મોટા ભાઈ મહાવીરસિંહ અમદાવાદમાં રહેતા હતા અને તા.9 જૂનના રોજ તેમના ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાતા તેમનું મોત થયું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ તા.13 જૂને બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણાના સમયે રાજા રાતડિયા, રમેશ વરૂ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા.
આ સમયે રાજાએ કિરપાલસિંહના પિતાને બહાર બોલાવી જણાવ્યું હતું કે, મહાવીરસિંહને રૂ.1.35 કરોડ વ્યાજે આપવામાં આવ્યા હતા અને હવે આ રકમ પરિવારને ચૂકવવી પડશે. જોકે પરિવારજનોએ મહાવીરસિંહ પાસેથી આવી કોઈ વાત સાંભળી ન હોવાનું જણાવ્યું હતું. પિતાએ પણ છેલ્લા ચાર વર્ષથી મહાવીરસિંહ સાથે કોઈ સંબંધ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ તા.27 જૂને રાજા રાતડિયાનો કિરપાલસિંહને ફોન આવ્યો હતો. તેણે મહાવીરસિંહને આપવામાં આવેલા પૈસા અંગે ક્યારે મળવાનું છે તેવો સવાલ કર્યો હતો. કિરપાલસિંહે આ રકમ અંગે પોતે અજાણ હોવાનું કહી ફોન ન કરવા જણાવ્યું હતું. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, આ દરમિયાન રાજાએ ધમકી આપી હતી કે પૈસા નહીં ચૂકવાય તો તેને અને તેના પિતાને પણ કોઈ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી મારી નાખવામાં આવશે.
આ પછી તા.4 જુલાઈએ ફરી ફોન આવ્યો હતો. રાજા સાથે રમેશ વરૂ પણ કોન્ફરન્સ કોલમાં જોડાયો હતો. બંનેએ ફરી મહાવીરસિંહના પૈસાની વાત કરી હતી. કિરપાલસિંહે પોતે પોલીસમાં ફરજ બજાવતો હોવાનું અને આ વ્યવહાર અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. પિતાએ પણ આ મામલે કોઈ સાથે વાત ન કરવા સૂચના આપી હોવાનું તેણે જણાવ્યું હતું. ફરિયાદ મુજબ આ જવાબથી બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ‘પૈસા સીધી રીતે આપી દેજો, નહીં તો અમારી પાસે પૈસા કઢાવવાના ઘણા રસ્તા છે’ કહી ધમકી આપી હતી. આ મામલે પોલીસમેને વ્યાજખોરી અને ધમકીના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.


