શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ
ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા અને સલામતી વધુ સઘન બનશે
અગ્ર ગુજરાત, શાપર-વેરાવળ
ધમધમતા ઔદ્યોગિક હબ તરીકે જાણીતા શાપર-વેરાવળ વિસ્તારમાં નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગકારોની સુરક્ષા તેમજ સલામતીને વધુ સઘન બનાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શાપર વિસ્તારમાં આવેલા પારડી શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના હસ્તે નવી પોલીસ ચોકીનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગોંડલના ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા તથા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. રાણા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારોહમાં અગ્રણી ઘનશ્યામભાઈ ભુવા, પારડી ગામના ઉપસરપંચ મહેશભાઈ માટીયા, હિરેન કોરાટ, ધીરુભાઈ ચાવડા, મનુભાઈ પરમાર, તિરુપતિ CNCના માલિક જિગ્નેશભાઈ સોજીત્રા અને ધવલભાઈ સોજીત્રા તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને નાગરિકો જોડાયા હતા. શાપર-વેરાવળ મોટા ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી સતત અવરજવર રહે છે. આ નવી ચોકી કાર્યરત થવાથી અસામાજિક તત્વો પર કડક અંકુશ આવશે અને વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.


