10% વળતરની લાલચે 11 રોકાણકારો સાથે 9.61 કરોડની છેતરપિંડી
ડેબિટ કાર્ડની પ્રિ-એપ્રુવ્ડ લોનમાં રોકાણની સ્કીમ બતાવી શરૂઆતમાં ઊંચું વળતર આપી વિશ્વાસ જીત્યો
પર્સનલ-મોર્ગેજ લોન તેમજ સગા-મિત્રો પાસેથી નાણાં લઈ રોકાણ કરાવ્યું, રૂ.3.61 કરોડ પરત ચૂકવી બાકીની રકમ ઓળવી ગયાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં રોકાણના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરી કથિત રીતે છેતરપિંડી કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ડેબિટ કાર્ડ પર મળતી પ્રિ-એપ્રુવ્ડ લોનના વ્યવસાયમાં રોકાણ કરાવી દર મહિને 10 ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપીને એક શખ્સે 11 જેટલા રોકાણકારો પાસેથી કુલ રૂ.9.61 કરોડથી વધુની રકમ મેળવી લીધા બાદ મોટાભાગની રકમ પરત નહીં ચૂકવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી પોલીસે હાર્દિક તુલસીદાસ તન્ના સામે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોઠારીયા રોડ પર આનંદનગર કોલોનીમાં રહેતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી હાર્દિક તન્ના અગાઉ તેમના મકાનમાં ભાડેથી રહેતા નૈમિષભાઈ નગદીયાના સાળા હોવાથી પરિચયમાં આવ્યો હતો. વર્ષ 2022 દરમિયાન હાર્દિકે ફર્નિચરની દુકાનમાં નોકરી કરવાની સાથે ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોનનું કામ કરતો હોવાનું જણાવી રોકાણની વાત કરી હતી.
આરોપીએ ફરિયાદીને સમજાવ્યું હતું કે ડેબિટ કાર્ડધારકને પ્રિ-એપ્રુવ્ડ લોન મંજૂર થાય ત્યારે ગ્રાહકને લોનની 80 ટકા રકમ રોકડમાં આપવામાં આવે છે, જ્યારે બાકીની 20 ટકા રકમ કમિશન તરીકે રહે છે. આ ધંધામાં નાણાં લગાવવાથી ટૂંકા ગાળામાં સારું વળતર મળતું હોવાનું કહી તેણે રોકાણ માટે પ્રલોભન આપ્યું હતું.
શરૂઆતમાં ફરિયાદીએ રૂ.80 હજાર આપ્યા હતા. થોડા જ દિવસોમાં આરોપીએ રૂ.1 લાખ પરત આપતાં ફરિયાદીને તેના વ્યવસાય પર વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ રૂ.1.50 લાખનું રોકાણ કરતાં રૂ.1.80 લાખ પરત મળ્યા હતા. શરૂઆતના વ્યવહારોમાં સમયસર અને અપેક્ષા કરતાં વધુ રકમ પરત મળતાં હાર્દિક તન્ના ઉપર ફરિયાદીનો ભરોસો વધુ મજબૂત થયો હતો.
આ વિશ્વાસનો લાભ લઈને આરોપીએ ધીમે ધીમે મોટી રકમોનું રોકાણ કરાવવા શરૂઆત કરી હતી. બાદમાં ધંધામાં વધુ મૂડીની જરૂરિયાત હોવાનું જણાવી દર મહિને 10 ટકા વળતર આપવાની વાત કરી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ તેણે પર્સનલ લોન, મકાન સામે મોર્ગેજ લોન, અન્ય લોન તેમજ બચતમાંથી નાણાં એકત્ર કરી હાર્દિકને આપ્યા હતા. આ રીતે એકલા સાગરભાઈ પાસેથી જ આશરે રૂ.2.70 કરોડની રકમ રોકાણના નામે લેવામાં આવી હતી. દરમિયાન ઓક્ટોબર 2023માં આરોપીએ શીતલપાર્ક સર્કલ નજીક આર.કે. વર્લ્ડ ટાવરમાં ઓફિસ શરૂ કરી હતી. ઓફિસ શરૂ થતાં રોકાણકારોમાં પણ વિશ્વાસ વધ્યો હતો. આરોપી વધુ રોકડ મૂડીની જરૂરિયાત હોવાનું જણાવી ફરિયાદી મારફતે તેના સગા-સંબંધીઓ અને મિત્રોને પણ રોકાણ કરવા પ્રેરિત કરતો રહ્યો હતો. પરિણામે અન્ય લોકોએ પણ મોટી રકમો તેના વ્યવસાયમાં લગાવી હતી.
ફરિયાદ મુજબ કુલ 11 લોકો પાસેથી રૂ.9,61,91,492 જેટલી રકમ લેવામાં આવી હતી. તેની સામે આરોપીએ અત્યાર સુધીમાં બેંક મારફતે રૂ.3,61,87,358 જેટલી રકમ વળતર તરીકે ચૂકવી હોવાનું જણાવાયું છે. જોકે, મૂળ રોકાણની મોટી રકમ પરત ન મળતાં રોકાણકારો દ્વારા આરોપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વારંવારની ઉઘરાણી છતાં નાણાં પરત ન મળતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવાયેલી વિગતો મુજબ સાગરભાઈ મોરવાડિયાના રૂ.2.70 કરોડ ઉપરાંત ગીરીશભાઈ મોરવાડિયાના રૂ.61.75 લાખ, પ્રફુલભાઈ મોરવાડિયાના રૂ.35.50 લાખ, હાર્દિકભાઈ મોરવાડિયાના રૂ.80.90 લાખ, અભિજીતભાઈ મોરવાડિયાના રૂ.1.10 કરોડ, હિરેનભાઈ મુળાસિયાના રૂ.15.30 લાખ, મનીષભાઈ વીરડીયાના રૂ.1.99 કરોડ, મયંક રાઠોડના રૂ.11.57 લાખ, મહેશભાઈ બોઘરાના રૂ.92.15 લાખ અને રવિભાઈ પરમારના રૂ.85 લાખ સહિત અન્ય એક રોકાણકારની રકમનો પણ સમાવેશ થાય છે.
આ રીતે શરૂઆતમાં ઊંચું વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમોનું રોકાણ કરાવી અને ત્યારબાદ નાણાં પરત ન આપ્યાના આક્ષેપને પગલે યુનિવર્સિટી પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે રોકાણકારો પાસેથી લેવામાં આવેલી રકમ, બેંક વ્યવહારો, પરત ચૂકવાયેલી રકમ, ઓફિસ તથા કહેવાતા લોનના વ્યવસાયની હકીકત સહિત સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. આરોપી દ્વારા અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પણ આ જ પ્રકારની રીતે નાણાં લેવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.


