ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના પાંચ ગામો માટે નવા તળાવ નિર્માણનો સંકલ્પ
લાખાપાદર, સનાડા, જંગર, કોલડા અને ઈશ્વરીયા ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો સાથે બેઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
વતનને સુજલામ્ સુફલામ્ અને જળ સમૃદ્ધ બનાવવાના ભગીરથ કાર્યના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે એક વિશેષ સ્નેહ મિલન અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત ખાતે વસતા લાખાપાદર, સનાડા, જંગર, કોલડા અને ઈશ્વરીયા ગામના સર્વે ગ્રામજનો, વડીલો, યુવાનો તથા માતૃશક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ગામમાં નવા તળાવના નિર્માણ અને જળસંચયના કાર્યોમાં જનભાગીદારી વધારવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને જળ સંરક્ષણની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, વતનને જળસભર બનાવવું એ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાની આપણી નૈતિક જવાબદારી છે. જો આપણે આજે ‘ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ રોકવાનો સંકલ્પ કરીશું, તો આવનારા સમયમાં આપણા ગામો ક્યારેય પાણીની અછતનો સામનો નહીં કરે. વતનની માટી અને પાણીનું ઋણ ચૂકવવાનો આ શ્રેષ્ઠ અવસર છે, જેમાં દરેક ગ્રામજનની સક્રિય જનભાગીદારી અનિવાર્ય છે.
આ સાથે જ રમેશભાઈ ધાનાણીએ પણ પાણીના મહત્વ અને આવનારી પેઢી માટે જળ સુરક્ષાના સુદ્રઢ આયોજન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.
બેઠકમાં નરેન્દ્રભાઈ ગોકળભાઈ મોરડીયા, ભરતભાઈ પોપટભાઈ ગજેરા, મનીષભાઈ બાલુભાઈ ગજેરા, હરેશભાઈ પુનાભાઈ મોરડીયા, દિલીપભાઈ ગોરધનભાઈ ગજેરા, સાગરભાઇ બાલુભાઈ ગજેરા, પ્રતિકભાઇ રમેશભાઈ ગજેરા તેમજ વિપુલભાઈ સહિતના વિવિધ ગામોના અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને વતનમાં જળ સંચયના આ ભગીરથ કાર્યમાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.


