આંબેડકરનગરમાં રહેણાંક મકાનમાંથી 2832 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
7.83 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપી ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ઉકળેલી રાજ્ય સરકારે બુટલેગરો પર તૂટી પડવા આદેશ કર્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગર શેરી નં.13માં રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,832 બોટલ ઝડપી પાડી હતી. દારૂ સહિત કુલ રૂ.8,03,320નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરનારા સહિત ત્રણ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા અને રાજેશભાઇ જળુને મળેલી સંયુક્ત બાતમીના આધારે 80 ફૂટ રોડ, આંબેડકરનગર શેરી નં.13માં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સાહીલ બળવંતભાઇ વોરા (ઉ.વ.23, રહે. આંબેડકરનગર મેઇન રોડ, સ્મશાન સામે, 80 ફૂટ રોડ, રાજકોટ)ને ઝડપી લીધો હતો. તપાસમાં મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 2,832 બોટલ મળી આવી હતી.
પોલીસે 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીની 1,344 બોટલ, ઓલ સિઝન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કી, ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કી અને રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હીસ્કી સહિતનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત એક આઇફોન-13 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ દારૂના જથ્થા સાથે હિતેષ કનાભાઇ ગોહેલ, દિપક ઉર્ફે ધોનો વિનોદભાઇ ચૌહાણ અને અજય ભુપતભાઇ રાઠોડની સંડોવણી સામે આવી છે. ત્રણેય આંબેડકરનગર વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને હાલ તેઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિપક ઉર્ફે ધોનો ચૌહાણ સામે અગાઉ અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આથી હાલની કાર્યવાહીમાં પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ વધુ તેજ કરી છે. આ અંગે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર નેટવર્કની કડીઓ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.


