મેરા યુવા ભારત, દ્વારા આયોજિત ફ્યુચર યુથ લીડરશિપ બૂથ કેમ્પની તાલીમ શિબિર સંપન્ન
આજની યુવા પેઢી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: મેયર નેહલ શુક્લ
અગ્ર ગુજરાત, રાજકોટ
મેરા યુવા ભારત, રાજકોટ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત ફ્યુચર યુથ લીડરશિપ બૂથ કેમ્પ નો પ્રેમ મંદિર, નવજીવન ટ્રસ્ટ હોલ કાલાવાડ રોડ ખાતે ત્રણ દિવસીય તાલીમ શિબિર ના પુર્ણાહુતી પ્રસંગે રાજકોટના મેયર ડૉ. નેહલભાઈ શુક્લા મુખ્ય અતિથિ તરીકે તેમજ રાજકોટ શહેર ભાજપના પૂર્વ મંત્રી અને ભાજપ અગ્રણી હરેશભાઇ કાનાણી ; રાજકોટ ભાજપ ના પ્રેસ મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મળ; ડૉ. નેહાબેન ચૌહાણ; સ્વરૂપ દેશભ્રતાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતાર દ્વારા મેયર તેમજ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મેયરએ ઉપસ્થિત યુવાનોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ આજના સમયમાં સમાજની પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મહિલાઓએ આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ. મહિલાઓને શિક્ષણ, રોજગાર અને નેતૃત્વની સમાન તકો મળે તે જરૂરી છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે યુવાનોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. આજની યુવા પેઢી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. યુવાનો મહિલાઓના સન્માન અને સમાનતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડે. બૂથ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. સશક્ત મહિલા અને સશક્ત યુવા શક્તિના માધ્યમથી જ સશક્ત સમાજ અને વિકસિત ભારતનું નિર્માણ શક્ય બનશે.
આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતાર એ મેયર સમક્ષ છેલ્લા બે દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી રજૂ કરી હતી. તેમણે બૂથ કેમ્પમાં યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવેલી ભાગીદારી અંગે પણ માહિતી આપી હતી.
સમાપન સમારોહ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાગીઓને પુરસ્કાર આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે બૂથ કેમ્પમાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો સમાપન સમારંભમાં રાજેશભાઈ રાઠોડ બધાનો આભાર વ્યક્ત કરતા બૂથ કેમ્પનો ઉદ્દેશ જણાવતા કહ્યું હતું કે યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસે અને તેઓ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે તે આ બૂટ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે.


