જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ‘ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો
નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, જૂનાગઢ
બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ ખાતે IQACના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ કેળવાય અને તેઓ ઉચ્ચ શિક્ષણના નવા આયામોથી માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી વિવિધ ૮ વિષયોને આવરી લેતા એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મા સરસ્વતીની વંદના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા તમામ વિવિધ કૉલેજના તજજ્ઞો (Experts) અને વક્તાઓનું સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આચાર્યએ જણાવ્યું હતું કે, “આજના સ્પર્ધાત્મક અને જ્ઞાન આધારિત યુગમાં સંશોધન (Research) એ ઉચ્ચ શિક્ષણનો હાર્દ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) માં પણ રિસર્ચ અને ઇનોવેશન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અમારા વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન ન મેળવે, પરંતુ પોતાના વિષયમાં ઊંડાણપૂર્વક સંશોધન કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બને તે માટે આ પ્રકારના રાષ્ટ્રીય વર્કશોપ અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓએ બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) અને સાચી સંશોધન પદ્ધતિઓ વિશે જાણવું જ જોઈએ.”
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંકલન IQAC ના કોઓર્ડિનેટર ડૉ. જીતેન પરમાર અને ડૉ. દીનાબેન લોઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય વર્કશોપમાં ડૉ. એમ. એન. વાઘેલા, ડૉ. રમેશ સાગઠિયા, ડૉ. શબ્બીર પરમાર, ડૉ.નીતિન મકવાણા, ડૉ.વિશ્વજીત કાવા, ડૉ.ભાવેશ કાછડિયા, ડૉ. જયેશ બામરોટિયા, એ. પી. મ્યાત્રા દ્વારા સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમને અત્યંત સફળ બનાવવા માટે કૉલેજના દરેકે દરેક વિભાગના અધ્યક્ષશ્રીઓ (HODs) તથા સમગ્ર પ્રાધ્યાપકગણે ભારે જહેમત ઉઠાવી હતી. કૉલેજના તમામ વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતમાં આભારવિધિ સાથે આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.


