રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું
પૂર્વ CJI બી. આર. ગવઈ સહિત હાઇકોર્ટના ન્યાયાધીશોની ઉપસ્થિતિઃ ક્રિમિનલ ઇન્કવાયરી, ડિજિટલ એવિડન્સ, લેન્ડ રેવન્યુ કોડ અને એઆઈ જેવા વિષયો પર થયું મંથન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ સ્થિત આત્મીય કોલેજ ખાતે રવિવારે યોજાયેલા નેશનલ લીગલ સેમિનારમાં શહેર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વકીલો ઉમટી પડ્યા હતા. કાયદાના ક્ષેત્રમાં સતત બદલાઈ રહેલી જોગવાઈઓ, નવી ટેકનોલોજી અને ન્યાયિક પ્રક્રિયાના વિવિધ પાસાં અંગે વકીલોને સીધું દેશના અને રાજ્યના અનુભવી ધારાશાસ્ત્રીઓ તથા ન્યાયાધીશો પાસેથી માર્ગદર્શન મેળવવાની તક મળી હતી. દિવસભર ચાલેલા સેમિનારમાં કાનૂની વ્યવસાયની નૈતિકતા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ બાર એસોસિએશન દ્વારા આયોજિત આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘પ્રોફેશનલ એથિક્સ ઇન લીગલ પ્રેક્ટિસ’ વિષય પર વકીલોને માર્ગદર્શન આપતાં કાનૂની વ્યવસાયમાં નૈતિક મૂલ્યો, વ્યવસાયિક જવાબદારી અને ન્યાયિક વ્યવસ્થામાં વકીલની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા.
આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ એચ. ડી. સુથારની ઉપસ્થિતિ પણ સેમિનારનું મુખ્ય આકર્ષણ બની હતી. જસ્ટિસ એચ. ડી. સુથારે જામીન અરજી અને તેની કાનૂની કાર્યવાહી અંગે વકીલોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ન્યાયિક પ્રક્રિયામાં જામીન સંબંધિત બાબતોને કેવી રીતે જોવામાં આવે છે અને કોર્ટ સમક્ષ રજૂઆત કરતી વખતે કયા મુદ્દાઓ મહત્વના બને છે તે અંગે તેમણે વિગતવાર સમજ આપી હતી.
સેમિનારમાં ગુજરાતના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી સુધીરભાઈ નાણાવટી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે. જે. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તથા મહારાષ્ટ્રના સતિષ દેશમુખ, ઓરિસ્સાના ભક્ત ભૂષણ, ઉત્તરાખંડના ડી. કે. શર્મા, ઝારખંડના પ્રશાંત સિંઘ સહિતના કાયદા ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
સવારે 9 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલેલા આ સેમિનારમાં કાયદાના અલગ-અલગ વિષયો ઉપર સત્રો યોજાયા હતા. ખાસ કરીને સ્થાવર મિલકતના વ્યવહારોમાં રજિસ્ટ્રેશનનું મહત્વ, કાનૂની જરૂરિયાતો, ખરીદદારોના હિતોના રક્ષણ માટે જરૂરી કાયદાકીય સાવચેતી જેવા વિષયો ઉપર પણ વકીલોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જમીન-મિલકતના વ્યવહારોમાં કાયદાકીય પ્રક્રિયાની નાની ભૂલ પણ ભવિષ્યમાં વિવાદનું કારણ બની શકે છે ત્યારે આવા વ્યવહારોમાં જરૂરી સાવચેતી અંગે નિષ્ણાતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
ક્રિમિનલ ઇન્કવાયરી અને એફઆઈઆર નોંધાય તે પહેલાંની પ્રાથમિક તપાસનો વ્યાપ તથા કાયદાકીય પાસાઓ પણ સેમિનારમાં ચર્ચાનો વિષય બન્યા હતા. ગુનાની તપાસ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું પાલન, પુરાવાની વિશ્વસનીયતા અને તપાસના વિવિધ તબક્કાઓ અંગે વકીલોને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને ‘ડિકોડિંગ ડિજિટલ એવિડન્સ અન્ડર બીએનએસએસ એન્ડ બીએસએ’ જેવા વિષય પર પણ વિશેષ સત્ર યોજાયું હતું. મોબાઇલ, ડિજિટલ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મળતા પુરાવાનું કોર્ટમાં મહત્વ, તેની કાયદાકીય માન્યતા અને આવા પુરાવાઓને રજૂ કરતી વખતે રાખવાની સાવચેતી અંગે ચર્ચા થઈ હતી.
ટ્રાયલ કોર્ટમાં ડેટા પ્રાઇવસીનું મહત્વ અને કાનૂની કાર્યવાહી દરમિયાન વ્યક્તિગત માહિતી તથા ડિજિટલ ડેટાના રક્ષણ જેવા મુદ્દાઓ પણ નિષ્ણાતોએ સમજાવ્યા હતા. સાથે સાથે ‘એડવોકેસી ઇન એઆઈ એજ’ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વકીલાતનું બદલાતું સ્વરૂપ પણ ચર્ચાયું હતું. ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે વકીલો માટે ઊભા થતા નવા પડકારો અને તકો અંગે સેમિનારમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, આત્મીય સંસ્થાના સંતો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેમિનાર દરમિયાન વકીલોમાં પણ કાયદાના નવા પ્રવાહો અંગે ભારે રસ જોવા મળ્યો હતો.
નેશનલ લીગલ સેમિનારને સફળ બનાવવા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નીલેશ પટેલ, ઉપપ્રમુખ એસ. કે. જાડેજા, જયેન્દ્ર ગોંડલીયા, પ્રગતિબેન માંકડીયા, કેતન મંડ સહિતના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ મહત્વની કામગીરી સંભાળી હતી. સ્તવન મેહતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા, દીપ વ્યાસ, નીશાબેન લુણાગરીયા, મીનલબેન સોનપાલ, હીરલબેન જોષી, રક્ષાબેન ઉપાધ્યાય, હસમુખ સાગઠીયા સહિતના સભ્યોએ પણ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ સેમિનાર માત્ર કાયદાના પુસ્તકી જ્ઞાન પૂરતો સીમિત ન રહેતા વકીલોને ન્યાયિક પ્રક્રિયાના વ્યવહારુ પાસાં, બદલાતા કાયદા, ડિજિટલ પુરાવા અને ભવિષ્યમાં એઆઈના વધતા પ્રભાવ જેવા સમકાલીન મુદ્દાઓ સાથે જોડતો રહ્યો હતો. જેના કારણે રાજકોટમાં યોજાયેલો આ રાષ્ટ્રીય કક્ષાનો કાનૂની સેમિનાર વકીલ આલમ માટે જ્ઞાનવર્ધક અને ઉપયોગી બની રહ્યો હતો.


