સુરતમાં ‘ચતુર્થ વૈષ્ણવ સાધુ રાસ મહોત્સવ’નું સમાપન
સરથાણાના ઇગલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા મહોત્સવમાં ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી
અગ્ર ગુજરાત, સુરત
તાપી નદીના પવિત્ર કિનારે અને દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાતા સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ, સુરત તથા રામવાડી યુવા એકતા મંચના સંયુક્ત ઉપક્રમે સતત ચોથા વર્ષે ‘ચતુર્થ ભવ્ય વૈષ્ણવ સાધુ રાસ મહોત્સવ’ નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા, વરાછા ખાતે આવેલા ઇગલ પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ મહોત્સવમાં સુરત સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા સાધુ-સંતો, મહંતો અને સમાજના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ મહોત્સવમાં શ્રી રામમઢીથી પધારેલા બાપુ, હરિગુરુ આશ્રમ (મોટીવડ)ના બાપુ તેમજ વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, ખાનજચી અને મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બારડોલીના અગ્રણીઓ, વિવિધ વિસ્તારોના મહેમાનો, યુવા અગ્રણીઓ, પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ અને વેપારી જગતના પ્રતિનિધિઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
મહોત્સવમાં સંગીત અને ભક્તિરસની રમઝટ બોલાવવા માટે સૌરાષ્ટ્રના પાદરગઢથી પધારેલા ગાયક કલાકાર દીપક બાપુ હરિયાણી, સરસ્વતીબેન દુધરેજિયા, સુરતના લોકલાડીલા ગાયક કલાકાર ઈશ્વર બાપુ હરિયાણી, લાલદાસ બાપુ ગોંડલિયા અને ભરત બાપુ હરિયાણી એ પોતાના મધુર સ્વરોથી ખેલૈયાઓને ગરબે ઝૂમવા મજબૂર કરી દીધા હતા. કલાકારોની સુંદર પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ આનંદમય અને ઊર્જાવાન બન્યું હતું.


