ગઢકામાં વાડીના કૂવામાં પડી જતાં ૩૫ વર્ષના મજૂરનું મોત
રાત્રે પાણી ભરવા જતાં પગ લપસ્યો; બેભાન હાલતમાં બહાર કઢાયા બાદ 108ના તબીબે મૃત જાહેર કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક ત્રંબા પાસે આવેલા ગઢકા ગામે વાડીના કૂવામાં પડી જવાથી ૩૫ વર્ષના મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે વાડીના કૂવામાંથી પાણી ભરતી વખતે અકસ્માતે પગ લપસી જતાં યુવાન કૂવામાં ખાબક્યો હતો. બનાવને પગલે વાડી માલિક સહિતના લોકો દોડી આવ્યા હતા. યુવાનને બહાર કાઢી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ૧૦૮ના તબીબે તેને મૃત જાહેર કરતાં મજૂર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઢકા ગામે અશોકભાઈ કલોલની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ છનાભાઈ નાયકા (ઉ.વ. ૩૫) ગઈકાલે રાત્રે આશરે ૧૧ વાગ્યાના અરસામાં વાડીમાં આવેલા કૂવામાંથી પાણી ભરવા ગયા હતા. આ દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસી જતાં તેઓ કૂવામાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં વાડી માલિક સહિતના લોકો એકઠા થઈ ગયા હતા અને મુકેશભાઈને બેભાન હાલતમાં કૂવામાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ૧૦૮ના તબીબ ડો. રાજેશભાઈ પરમારે તપાસ કરતાં મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં હેડ કોન્સ્ટેબલ એમ.ડી. મુંધવા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. યુવાનના મોતથી મજૂર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.


